"ઘરે મહુડાનો દારૂ બનાવો અને લો" સાંસદ મનસુખ વસાવાની વિવાદિત સલાહ, જુઓ VIDEO

આ વીડિયો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે એક કાર્યક્રમનો હોવાનું સામે આવ્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 09 Jun 2026 02:11 PM (IST)Updated: Tue, 09 Jun 2026 02:11 PM (IST)
mp-mansukh-vasava-mahudo-liquor-viral-video-controversial-statement-narmada

MP Mansukh Vasava Mahudo Liquor Video: ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવારનવાર દારૂના દૂષણને લઈને ચર્ચા જાગતી હોય છે. તાજેતરમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદનથી રાજ્યના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઢોલાર ગામે આયોજિત એક કાર્યક્રમમાં સાંસદે આદિવાસી સમાજને બુટલેગરોનો કેમિકલવાળો દારૂ છોડીને પરંપરાગત રીતે ઘરે બનાવેલા મહુડાના દારૂનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, તેનાથી નવો વિવાદ છેડાયો છે.

કેમિકલયુક્ત દારૂ સામે સાંસદનો આક્રોશ

મનસુખ વસાવાએ આદિવાસી વિસ્તારમાં ચાલતા દારૂના વેપાર અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, બુટલેગરો મહારાષ્ટ્રમાંથી મોટા કન્ટેનરો ભરીને ડુપ્લીકેટ અને કેમિકલવાળો ઇંગ્લિશ દારૂ ઘુસાડે છે. આ દારૂ પીવાથી યુવાનોનું આરોગ્ય બિલકુલ ખતમ થઈ જાય છે અને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે.

— Gujarati Jagran (@gujaratijagran) June 9, 2026

સાંસદ મનસુખ વસાવાએ આકરા શબ્દોમાં કહ્યું કે, 'આવો કેમિકલયુક્ત ઝેરી દારૂ પીને મરવા કરતા, આદિવાસીઓએ પોતાની જૂની પરંપરા મુજબ ઘરે જાતે મહુડાનો દારૂ બનાવીને પીવો જોઈએ.' તેમણે ઉમેર્યું કે આ દારૂનો ઉપયોગ પ્રસાદ કે દવા તરીકે કરવો જોઈએ.

પરંપરા અને ધાર્મિક માન્યતાઓ આપ્યો સંદર્ભ

સાંસદ મનસુખ વસાવાએ પોતાની વાતના સમર્થનમાં આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, વર્ષોથી આપણા બાપ-દાદાઓ જ્યારે દેવમોગરા માતાજીના દર્શને જતા, ત્યારે મહુડાનો દારૂ બનાવીને માતાજીને ધરાવતા હતા. અને ગામમાં કોઈ ઉજવણી હોય ત્યારે પણ શુદ્ધ મહુડાનો ઉપયોગ થતો હતો. તેમણે દાવો કર્યો કે ઘણા ડૉક્ટરો પણ અમુક બીમારીઓમાં સારી ક્વોલિટીનો દારૂ પીવાની સલાહ આપે છે, પરંતુ હાલમાં મળતો કેમિકલવાળો દારૂ તો સીધું કેન્સર અને મૃત્યુને નોતરે છે.

યુવાનોને શિક્ષણ અને રોજગારી માટે આહવાન

દારૂના રવાડે ચડેલા યુવાનોને ટકોર કરતા મનસુખ વસાવાએ ભગવાન બિરસા મુંડાના આદર્શો યાદ અપાવ્યા હતા. તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, આજનો યુવાન તીર-કામઠાની જગ્યાએ દારૂની બોટલો લઈને ફરે છે. તેમણે યુવાનોને સારું શિક્ષણ મેળવવા અપીલ કરી અને ખાતરી આપી હતી કે, જો યુવાનો ભણશે અને લાયકાત કેળવશે, તો તેમને ઉદ્યોગોમાં નોકરી અપાવવાની જવાબદારી તેમની પોતાની રહેશે.

સાંસદ મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું હતું કે, તેઓ છેલ્લા 25 થી 30 વર્ષથી વ્યસન મુક્તિનું અભિયાન ચલાવી રહ્યા છે અને તેઓ કોઈપણ બુટલેગરો કે રેત માફિયાઓથી ડરતા નથી. સાંસદના આ નિવેદન બાદ રાજ્યમાં આદિવાસી પરંપરા અને દારૂબંધીના કાયદાને લઈને નવી ચર્ચા જાગી છે.