Loading...

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો ભવ્ય પ્રારંભ, સેંકડો શ્રદ્ધાળુઓ ઉમટ્યા; સુવિધા અને વ્યવસ્થાના કર્યા દિલથી વખાણ

આકસ્મિક ઘટના સમયે તાત્કાલિક બચાવ કામગીરી માટે સ્પીડ બોટની સુવિધા છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Thu 19 Mar 2026 02:29 PM (IST)Updated: Thu 19 Mar 2026 02:29 PM (IST)
devotees-praise-narmada-uttarvahini-parikrama-facilities-and-arrangements-711253
HIGHLIGHTS
  • નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં ભક્તોનું ઘોડાપૂર
  • વહીવટી તંત્રની વ્યવસ્થાને શ્રદ્ધાળુઓએ બિરદાવી
  • બચાવ કામગીરી માટે સ્પીડ બોટની ખાસ સુવિધા

Narmada Uttarvahini Parikrama 2026: આજે 19 માર્ચથી સાધુ-સંતો, પરિક્રમાર્થીઓ અને ભાવિકોએ પ્રાત:કાળે માં રેવાના દર્શન અને પુષ્પાર્પણ કરી નર્મદે હરના જય ઘોષ સાથે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. ચૈત્રી નવરાત્રી પ્રથમ દિવસે જ વૃદ્ધો, બાળકો, મહિલાઓ સહિત મોટી સંખ્યામાં પરિક્રમાર્થીઓ ઉમટી પડ્યા હતા.

શ્રદ્ધાળુઓ માટે સઘન સુરક્ષા અને આયોજન

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં ચાલી રહેલી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા માટે નદી કિનારે ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દર વર્ષે પરિક્રમાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુવિધા અને સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સઘન આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના ભાવિકોએ નર્મદા તટ પર કર્યા ગરબા

આ ઉત્તમ વ્યવસ્થાની નોંધ ગુજરાત અને બહારના રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ પણ લઈ રહ્યા છે. સુરતથી પરિક્રમા અર્થે આવેલા હેમાલીબેન જરીવાલા છેલ્લા ચાર વર્ષથી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા માટે આવે છે. તેમના અનુભવો જાણીને ધીમે ધીમે પરિવાર અને સોસાયટીના લોકો જોડાતા ગયા.

આ વર્ષે હેમાલીબેન સોસાયટી પરિવાર સાથે આખી બસ લઈને આવ્યા છે. સુરતથી આવેલા આ શ્રદ્ધાળુઓને ચૈત્રી નવરાત્રી પ્રથમ દિવસે નર્મદાના તટ પર ગરબા કરવાનો અવસર મળ્યો હતો, તેનો શ્રેય તેમણે ગુજરાત સરકાર અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની ઉત્તમ સુવિધાઓને આપ્યો હતો.

મહારાષ્ટ્રના ભાવિકોએ પણ સુવિધા વખાણી

ઇન્ટરનેટ અને પરિવારજનો મારફતે આ પરિક્રમાનો મહિમા સાંભળીને મહારાષ્ટ્રના અમરાવતીથી વિદ્યા મૂળે નામના ભાવિક પણ પોતાના નાના બાળકો સાથે પ્રથમ વખત અહીં આવ્યા હતા. વિદ્યા મૂળે જણાવ્યું કે, વહીવટી તંત્રએ ઊભી કરેલી સુવિધાઓ ખૂબ જ સરાહનીય છે. ખાસ કરીને નદી પાર કરવા માટે બોટની સુવિધા ખૂબ સારી છે. બાળકોને પણ તેમાં બેસવાનો ખૂબ આનંદ આવ્યો હતો.

કામચલાઉ બ્રિજ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત 

પરિક્રમાર્થીઓની યાત્રા સરળ બનાવવા માટે શહેરાવ-તિલકવાડા ઘાટ પર એક કામચલાઉ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રેંગણ-રામપુરા ઘાટ વચ્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ બોટની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે.

કોઈ આકસ્મિક ઘટના ન બને અને તાત્કાલિક બચાવ કામગીરી થઈ શકે તે માટે સ્પીડ બોટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. પરિક્રમા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચારેય ઘાટ પર પોલીસ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ સતત પોતાની ફરજ બજાવી રહ્યા છે.