Loading...

અધધ એક લાખ કિલો અથાણાનો પ્રસાદ, વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં શરૂ થયો સેવાયજ્ઞ

આ વર્ષે તૈયાર થતા 1 લાખ કિલો કરતાં વધુ અથાણાં માટે અંદાજે એક હજાર કિલો લીંબુ, 80 હજાર કિલો મરચાનો ઉપયોગ થશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Mon 12 Jan 2026 05:06 PM (IST)Updated: Mon 12 Jan 2026 05:06 PM (IST)
vadtal-swaminarayan-pickle-prasad-preparation-of-one-lakh-kilos-pickle-672955
HIGHLIGHTS
  • વડતાલ સ્વામિનારાયણ મંદિરનો લીંબુ-મરચાના અથાણાનો પ્રસાદ
  • એક લાખ કિલોથી વધુ લીંબુ-મરચાનું અથાણું તૈયાર કરવામાં આવશે
  • 200 વર્ષ કરતા વધુ સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ અકબંધ

Vadtal Swaminarayan Pickle Prasad: દર વર્ષની જેમ આ વર્ષે પણ વડતાલ સ્વામિનારાયણ મંદિર (Vadtal Swaminarayan Temple) ખાતે પરંપરાગત રીતે લીંબુ-મરચાંનું અથાણું તૈયાર કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 200 કરતા વધુ વર્ષથી ચાલી આવતી પરંપરા અનુસાર આ વર્ષે 1 લાખ કિલો કરતાં વધુ અથાણું બનાવવામાં આવશે. જે માટે દેવપ્રકાશ સ્વામી અને ડૉ. સંતવલ્લભદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યકરો શ્રમસેવા કરી રહ્યા છે.

વડતાલધામનો અથાણાં પ્રસાદ, 200 વર્ષ જુની પરંપરા

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં અથાણું બનાવવાની આ પરંપરા અંદાજે 200 વર્ષ કરતા પણ જુની છે. આ અથાણાંનો પ્રસાદ સંપૂર્ણ દેશી પદ્ધતિથી તૈયાર કરવામાં આવે છે. જેમાં લીંબુ, મરચા, હળદર, મીઠું અને લીંબુ એમ મુખ્ય પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ વસ્તુઓને ચોક્કસ માત્રામાં મેળવીને કુદરતી રીતે તૈયાર થવા દેવામાં આવે છે. આથી અથાણાંનો સ્વાદ અને ગુણવત્તા લાંબા સમય સુધી જળવાઈ કહે છે.

એક હજાર કિલો લીંબુ, 80 હજાર કિલો મરચા

આ વર્ષ અથાણાંના પ્રસાદ માટે અંદાજે એક હજાર કિલો લીંબુ, 80 હજાર કિલો મરચા, બે હજાર કિલો હળદર અને 16 હજાર કિલો મીઠાનો ઉપયોગ કરવામાં આવશે. આ મિશ્રણથી તૈયાર થતા અથાણાંને 250થી વધુ પ્લાસ્ટિકના પીપમાં ભરી બે મહિના સુધી રાખવામાં આવશે. અથાણું તૈયાર થયા બાદ તેને ભગવાનને ધરાવાશે. અથાણાં માટે ખાસ ચરોતર અને સૌરાષ્ટ્રમાંથી મરચાં મંગાવ્યા છે.

પ્રથમ ભગવાનને ધરાવાશે અથાણાંનો પ્રસાદ

તૈયાર કરવામાં આવેલ અથાણાંનો પ્રસાદ પ્રથમ ભગવાન સમક્ષ ધરવામાં આવે છે. જે બાદ અથાણાંને મંદિરના ભોજનાલયમાં સંતો અને ભક્તોને ભોજનમાં પ્રસાદ તરીકે આપવામાં આવે છે. વધુમાં હજારો શ્રદ્ધાળુઓ આ પરંપરાગત પ્રસાદને સાથે પણ લઈ જતા હોય છે. 60 વર્ષ પહેલા આ પ્રસાદ માત્ર ગુજરાત સુધી સીમિત હતો, પરંતુ હવે દેશ-વિદેશમાં પણ તેની માંગ વધી છે.