Kheda Galteshwar Bus Accident: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં અકસ્માત સર્જાયો છે. સાણંદના ઇયાવા ગામથી ગળતેશ્વર દર્શનાર્થે જઈ રહેલી યાત્રીઓની એક ખાનગી લક્ઝરી બસ સેવાલિયા રોડ પર આવેલા લહેરીપુરા નજીક પલટી ખાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બસમાં સવાર 55થી વધુ મહિલાઓ અને બાળકોને ઈજાઓ પહોંચી, અને 62 વર્ષીય વૃદ્ધાનું મોત નીપજ્યું છે.
બસની બ્રેક ફેલ થઈ, મોટી જાનહાનિ ટળી
પ્રાથમિક માહિતી અનુસાર, ખાનગી લક્ઝરી બસની અચાનક બ્રેક ફેલ થઈ જવાને કારણે ચાલકે વાહન પરથી કાબૂ ગુમાવ્યો અને બસ રોડ પર જ પલટી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માત પૂર્વે બસ અંબાવ ગામના ભારે ટ્રાફિક જામમાંથી માંડ-માંડ બહાર નીકળી હતી. જો ટ્રાફિક વચ્ચે બ્રેક ફેલ થઈ હોત તો મોટી જાનહાનિ થતી, જે સદનસીબે ટળી ગઈ છે.
સ્થાનિકો અને પોલીસની બચાવ કામગીરી
અકસ્માત સર્જાતા જ સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સેવાલીયા પોલીસ સ્ટેશનનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાહત અને બચાવ કામગીરી માટે 10થી વધુ એમ્બ્યુલન્સ તેમજ અન્ય ખાનગી વાહનોની મદદથી તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેવાલીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ડોક્ટર ગેરહાજર, લોકોમાં રોષ
આ અકસ્માત બાદ સેવાલીયા સરકારી હોસ્પિટલમાં નવો વિવાદ ઉભો થયો. મોટી દુર્ઘટના વચ્ચે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટર ગેરહાજર જણાતા દર્દીઓના સગાઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. નર્સિંગ સ્ટાફે પ્રાથમિક સારવાર શરૂ કરી, પરંતુ સ્થાનિકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે સમયસર યોગ્ય તબીબી સારવાર ન મળવાને કારણે જ 62 વર્ષીય ઈજાગ્રસ્ત મહિલાએ જીવ ગુમાવ્યો છે.
હાલમાં, બેથી વધુ દર્દીઓની હાલત વધુ નાજુક છે. તેમને વધુ સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
