Nadiad BJP leader Prakash Parmar Attacked: નડિયાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઉભા કરતી એક ઘટના સામે આવી છે. નડિયાદ શહેર ભાજપ કિસાન મોરચાના મહામંત્રી તેમજ સમાજસેવક પ્રકાશ પરમાર પર આશરે 40 જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે.
જૂની અદાવતમાં ફોન કરી બોલાવી ઘેર્યા
આ ઘટના અંગે ભોગ બનનાર પ્રકાશ પરમારના ભાઈ રાહુલભાઈએ જણાવ્યું કે, પ્રકાશભાઈ પર કોઈનો ફોન આવ્યો હોવાથી તેઓ ડી-માર્ટ ચોકડી તરફ ગયા હતા. ત્યાં અગાઉથી જ ઘાત લગાવીને બેઠેલા દાવલીયાપુરા વિસ્તારના મહેન્દ્ર ચાવડા સહિત આશરે 40 લોકોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.

ટોળાએ કર્યો હુમલો, પ્રકાશભાઈ ઈજાગ્રસ્ત
હુમલાખોરોએ જૂની અદાવતનો ખાર રાખીને એક સંપ થઈ પ્રકાશભાઈ પર હથિયારો અને ગડદાપાટુ વડે હિચકારો હુમલો કરી દીધો હતો. જનહિતના કાર્યમાં સતત સક્રિય રહેતા અગ્રણી પર જાહેરમાં થયેલા આ હુમલાથી આસપાસના લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ હુમલો એટલો ભયાનક હતો કે પ્રકાશ પરમાર લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.
પ્રકાશભાઈ લોહીલુહાણ થયા, સમર્થકો ઉમટ્યા
ઈજાગ્રસ્ત થયેલા પ્રકાશ પરમારને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ભાજપના સ્થાનિક આગેવાનો, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો હોસ્પિટલ તેમજ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
બનાવ CCTV ફૂટેજમાં કેદ, પોલીસ તપાસ શરૂ
બીજી તરફ, આ સમગ્ર હિંસક ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક સંગઠનો અને નાગરિકો દ્વારા હુમલાખોરોને વહેલી તકે ઝડપી પાડી કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ બુલંદ થઈ છે.
આ મામલે પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વધુમાં, પોલીસ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા સાથે આગળની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
