Loading...

નડિયાદ સંતરામ મંદિરે માઘી પૂનમે ભવ્ય સાકરવર્ષા, ભક્તિ–શ્રદ્ધાના સંગમ વચ્ચે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા

મહારાજ સંતરામની તપોભૂમિ પર મહા સુદ પૂનમના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાય છે. ભક્તો સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 01 Feb 2026 02:59 PM (IST)Updated: Sun 01 Feb 2026 02:59 PM (IST)
maghi-poonam-2026-grand-sugarcane-rain-at-nadiads-famous-santram-temple-683697

Nadiad News: નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરે આજે માઘી પૂનમના પવિત્ર અવસરે પરંપરાગત રીતે ભવ્ય સાકરવર્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષો જૂની પરંપરાને અનુસરીને યોજાતી આ સાકરવર્ષાને લઈને સમગ્ર નડિયાદ શહેર સંતરામમય બની ગયું છે. વહેલી સવારથી જ મંદિરના દ્વાર ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવતા ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મહારાજ સંતરામની તપોભૂમિ પર મહા સુદ પૂનમના દિવસે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાય છે. આ દિવસે માત્ર ખેડા જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત ઉપરાંત દેશ-વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ સંતરામ મંદિર ખાતે ઉમટી પડે છે. ભક્તો સંતરામ મહારાજની અખંડ જ્યોતના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા પૂર્ણ કરવા માટે સાકર અર્પણ કરે છે.

મંદિરમાં માઘી પૂનમ નિમિત્તે વિશિષ્ટ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને ધાર્મિક વિધિઓ યોજવામાં આવી છે. વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો મંદિર પરિસરમાં જોવા મળી રહી છે. સાંજના સમયે મુખ્ય આરતી પૂર્ણ થયા બાદ મંદિરના શિખર અને પરિસરમાંથી હજારો કિલો સાકરનો પ્રસાદ ભક્તો પર વરસાવવામાં આવશે, જે સાકરવર્ષા તરીકે ઓળખાય છે. આ દ્રશ્ય ભક્તોમાં વિશેષ આસ્થા અને આનંદ જગાવે છે. માન્યતા મુજબ, સાકરવર્ષાનો પ્રસાદ લેવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ઉમટતી જનમેદનીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ, સેવાભાવી સંસ્થાઓ અને સ્વયંસેવકો દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભક્તોની સલામતી અને શાંતિપૂર્ણ દર્શન માટે નડિયાદ પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર તરફ આવતા તમામ માર્ગો પર ટ્રાફિકનું નિયંત્રણ રાખવામાં આવ્યું છે. 100થી વધુ પોલીસ અને હોમગાર્ડના જવાનો તૈનાત કરાયા છે. ભીડને કાબૂમાં રાખવા માટે બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે તેમજ સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. માઘી પૂનમના આ પાવન પર્વે નડિયાદના સંતરામ મંદિરે ભક્તિ, શ્રદ્ધા અને ઉત્સાહનું અનોખું વાતાવરણ સર્જાયું છે.