Loading...

Gujarat Police Bharti: પોલીસ ભરતીમાં RFID ચીપ બદલી દોડ પૂર્ણ બતાવવાનો પ્રયાસ, બે ઉમેદવારો સામે ગુનો નોંધાયો

પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓના કોલ લેટર, આધાર કાર્ડ, ચાર RFID ચીપ તેમજ ચીપ કાપવા માટે વપરાયેલ કટરની બ્લેડનો ટુકડો સહિત મહત્વના પુરાવાઓ જપ્ત કર્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Thu 29 Jan 2026 10:57 AM (IST)Updated: Thu 29 Jan 2026 10:57 AM (IST)
gujarat-police-recruitment-fraud-rfid-chip-tampering-by-two-candidates-681676

Gujarat Police Recruitment Fraud: ખેડા હેડ ક્વાર્ટર ખાતે ચાલી રહેલી ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયામાં ગેરરીતિનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 28 જાન્યુઆરીના રોજ યોજાયેલી શારીરિક ક્ષમતા કસોટી દરમિયાન દોડની પરીક્ષામાં ટેકનિકલ છેતરપિંડી કરવાનો પ્રયાસ કરનાર બે ઉમેદવારો સામે ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પ્રાથમિક તપાસમાં બંનેએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હોવાનું બહાર આવ્યું છે.

મળતી માહિતી મુજબ, બેચ નંબર 22માં દોડમાં ભાગ લેનાર ઉમેદવાર હિતેશકુમાર રમેશભાઈ પરમાર દોડ પૂર્ણ કરવામાં અસમર્થ રહ્યો હતો. દોડ પૂર્ણ ન કરી શકતા તેણે પોતાના પગે લગાવેલી RFID ચીપ કટર વડે કાપી નાખી અને તેને પોતાના મિત્ર ઘનશ્યામભાઈ ભરતભાઈ પરમારને આપી દીધી હતી. ત્યારબાદ ઘનશ્યામભાઈએ આ ચીપ પોતાની પાસે રાખી હતી જેથી ટેકનિકલ સિસ્ટમમાં હિતેશકુમારની દોડ પૂર્ણ થયેલી દર્શાવવામાં આવે. ભરતી પ્રક્રિયામાં આવી છેતરપિંડીથી સરકારી નોકરી મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

તપાસ દરમિયાન પોલીસે ઘનશ્યામભાઈ પરમારના નાઈટીના ડાબા ખિસ્સામાંથી હિતેશકુમારની RFID ચીપ જપ્ત કરી હતી, જેના આધારે સમગ્ર કાવતરું બહાર આવ્યું. બંને આરોપીઓ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ ફરિયાદ મુજબ ભરતી બોર્ડને ગેરમાર્ગે દોરવા માટે બંને મિત્રોએ અગાઉથી જ આ યોજના બનાવી હતી.

આ સમગ્ર મામલે આઈ.યુ.સી.એ.ડબલ્યુ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એસ. પરમારે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓના કોલ લેટર, આધાર કાર્ડ, ચાર RFID ચીપ તેમજ ચીપ કાપવા માટે વપરાયેલ કટરની બ્લેડનો ટુકડો સહિત મહત્વના પુરાવાઓ જપ્ત કર્યા છે.

ઘટના પ્રકાશમાં આવતા ભરતી કેન્દ્ર પર સુરક્ષા વ્યવસ્થા અને ટેકનિકલ દેખરેખ વધુ સઘન બનાવવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયાની પારદર્શિતા જાળવવા માટે કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.