Loading...

Kheda: નવરચિત ફાગવેલ તાલુકાની ધરતી પરથી ખેડા જિલ્લાને રૂ. 348 કરોડથી વધુના 31 વિકાસકાર્યોની ભેટ

ફાગવેલના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઊગ્યો, વિકાસલક્ષી કામોની ભેટ મળતા આ વિસ્તારની કાયાપલટ થશે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Fri 06 Feb 2026 12:05 AM (IST)Updated: Fri 06 Feb 2026 12:05 AM (IST)
gujarat-cm-bhupendra-patel-launches-rs-348-crore-development-projects-in-khedas-fagvel-686501
HIGHLIGHTS
  • ‘મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના‘ હેઠળ રાજ્યના 114 ગામોને શહેર જેવી સુવિધાઓ અપાશે
  • ખેડા જિલ્લો ‘ગોલ્ડન લીફ’ થી હવે ‘ગોલ્ડન ડેવલપમેન્ટ’ તરફ અગ્રેસર

Kheda: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે વીર ભાથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રૂ. 348 કરોડથી વધુ રકમના 31 વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા.

આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે, નવનિર્મિત ફાગવેલ તાલુકાના વહીવટને વેગ આપવા માટે અત્યાધુનિક તાલુકા સેવા સદનનું નિર્માણ એક જ વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ફાગવેલ એ શૌર્ય અને શ્રદ્ધાની પવિત્ર ધરતી છે, જેને માત્ર ગુજરાત જ નહીં, સમગ્ર દેશ જાણે છે. વર્ષ 2002માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવા 'ગુજરાત ગૌરવ યાત્રા'ની શરૂઆત અહીંથી જ કરી હતી. આજે તે વિકાસ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિશ્વ કક્ષાએ પહોંચી છે.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઊજવણી નો ઉલ્લેખ કરીને શ્રી પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અસ્મિતા, સંસ્કૃતિ અને સનાતન ધર્મનું ગૌરવ હંમેશા ઉજાગર કર્યું છે. સોમનાથની રક્ષા કરનાર વીર હમીરજી ગોહેલ અને ગૌરક્ષા માટે બલિદાન આપનાર ભાથીજી મહારાજ જેવી વિભૂતિઓના ગૌરવ અપાવવાની સાથે વડાપ્રધાનશ્રીએ વિકાસની રાજનીતિથી વિકાસનો ઇતિહાસ રચ્યો છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.

ગ્રામીણ વિકાસ પર ભાર મૂકતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શહેરીકરણના ભારને ઘટાડવા માટે ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે, જે તાલુકા મથકો પર નગરપાલિકા નથી તેવા 114 ગામોના વિકાસ માટે 'મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના' અમલી બનાવી છે. આગામી સમયમાં આ યોજનાનો વ્યાપ વધારી 10,000થી વધુ વસ્તી ધરાવતા મોટા ગામોને પણ નવી યોજનામાં આવરી લેવાશે, તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત 2047' ના વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારનું આ વર્ષનું બજેટ 'કર્તવ્ય' પર આધારિત છે. વડાપ્રધાનશ્રી પ્રેરિત 'વોકલ ફોર લોકલ' અને 'હર ઘર સ્વદેશી' ના મંત્ર અપનાવી વિકસિત ખેડાથી વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની યાત્રામાં સહભાગી થવા શ્રી પટેલે ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીએ ખેડા જિલ્લાના આસ્થાના કેન્દ્ર સમાન ફાગવેલ ખાતે ભવ્ય કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવીને વીર ભાથીજી મહારાજ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પવિત્ર ધામના આંગણે આજે વિકાસનો નવો સૂરજ ઉગ્યો છે.

સિંચાઈ, પાણી પુરવઠા અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયેલા વિકાસલક્ષી કામોની ભેટ ફાગવેલ અને ખેડા જિલ્લાની કાયાપલટ કરશે, તેમ મંત્રીશ્રી સોલંકીએ સગર્વ ઉમેર્યું હતું. નવો તાલુકો બનવાથી વહીવટી પ્રક્રિયાઓ સરળ બનશે અને પ્રજાની સુખાકારીમાં વધારો થશે, તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ ના મંત્રને રાજ્ય સરકાર ચરિતાર્થ કરી રહી છે, તેમ જણાવી મંત્રી શ્રી સોલંકીએ નાગરિકોને સરકારના આ વિકાસના યજ્ઞમાં સહભાગી થઈ, જિલ્લાને ગૌરવશાળી બનાવવા માટે સહકાર આપવા અપીલ કરી હતી.

કપડવંજની પવિત્ર ધરા પર આજે શક્તિ, ભક્તિ અને વિકાસનો ત્રિવેણી સંગમ રચાયો છે તેમ કહી મહેસૂલ રાજ્યમંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, ખેડા જિલ્લો જે અગાઉ માત્ર 'ગોલ્ડન લીફ' (તમાકુ) માટે જાણીતો હતો, તે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 'ગોલ્ડન ડેવલપમેન્ટ' તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યો છે.

વહીવટી સરળતા અને પ્રજાલક્ષી અભિગમ અપનાવીને રચાયેલા નવા ફાગવેલ તાલુકાથી 1૬૯ ચોરસ કિલોમીટર વિસ્તારના નાગરિકોને તાલુકા મથકનું અંતર ઘટશે અને સરકારી કામોમાં ઝડપ આવશે, તેમ શ્રી મહિડાએ ઉમેર્યું હતું. તેમણે જિલ્લામાં સરકારી યોજનાઓની સિદ્ધિ વર્ણવી હતી અને વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થનાર પરિવર્તનની વાત કરી હતી.

બાલાસિનોરના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવે શાબ્દિક સ્વાગત વેળા કાર્યક્રમની રૂપરેખા આપી હતી. નિવાસી અધિક કલેક્ટર જે. બી. દેસાઈએ આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ફાગવેલ તાલુકા સેવા સદન માટેની જમીન ફાળવણીનો હુકમ મામલતદાર અને ટીડીઓને સુપ્રત કર્યો હતો.

આજે મુખ્યમંત્રીના હસ્તે મળેલા વિકાસકાર્યોની ભેટમાં રૂ. 234 કરોડથી વધુના લોકાર્પણના 13 કામો અને રૂ. 113 કરોડથી વધુના 18 ખાતમુહૂર્તના કામોનો સમાવેશ થાય છે, જેમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), નડિયાદ મહાનગરપાલિકા, આરોગ્ય વિભાગ ઉપરાંત કપડવંજ નગરપાલિકા અને પશુપાલન વિભાગના કામો સામેલ છે.