વડતાલધામમાં પવિત્ર અધિક માસની ભવ્ય પૂર્ણાહુતિ: 3000 કિલોનો છપ્પન ભોગ અને કેસર અભિષેક સાથે ઉજવણી

આ મંગલ પ્રસંગે વડતાલના સુપ્રસિદ્ધ મંદિરમાં કેસર અભિષેક, માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ અને ભવ્ય અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Hariom SharmaEdited By:Hariom SharmaPublish Date: Mon, 15 Jun 2026 07:18 PM (IST)Updated: Mon, 15 Jun 2026 07:18 PM (IST)
end-of-holy-adhik-month-in-vadtaldham-celebration-with-3000-kg-chhapan-bhog-and-kesar-abhishek

વડતાલ: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં પવિત્ર અધિક માસની પૂર્ણાહુતિ અત્યંત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી. આ મંગલ પ્રસંગે વડતાલના સુપ્રસિદ્ધ મંદિરમાં કેસર અભિષેક, માસિક શ્રીહરિયાગની પૂર્ણાહુતિ અને ભવ્ય અન્નકૂટ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોએ ઉમટી પડીને દેવોના દિવ્ય દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

3000 કિલોનો ભવ્ય છપ્પન ભોગ

ધોલેરાધામ શ્રીમદનમોહનજી મહારાજ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં અને અ.નિ. સાધુ શ્રી શ્યામ વલ્લભદાસજી સ્વામીની સ્મૃતિમાં મંદિરમાં બિરાજતા દેવોને 3000 કિલોના વિવિધ વ્યંજનો અને વાનગીઓ સાથેનો ભવ્ય છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ આકર્ષક અન્નકૂટના દર્શન રાજભોગ આરતીથી લઈને સાંજે 5 વાગ્યા સુધી હરિભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા.

કેસર સ્નાન અને ફૂલોનો શણગાર

પવિત્ર સોમવતી અમાસના દિવસે વહેલી સવારે મંગળા આરતી બાદ લાલજી પૂજ્ય સૌરભ પ્રસાદજી મહારાજના હસ્તે દેવોનું ભાવપૂર્ણ કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે સમગ્ર નિજ મંદિરને રંગબેરંગી ફૂલોથી અત્યંત સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ હરિભક્તોની હકડેઠઠ ભીડને કારણે મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.

યજ્ઞની પૂર્ણાહુતિ અને બ્રહ્મચોર્યાસી

અધિક માસ નિમિત્તે યોજાયેલા માસિક શ્રીહરિયાગની પણ આજે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંત વલ્લભદાસજી સ્વામીએ આકરા તાપમાં પણ યજ્ઞમાં આહુતિ આપનાર ભૂદેવો અને આચાર્ય ધીરેન ભટ્ટનું સન્માન કર્યું હતું. સંસ્થા દ્વારા ખેડા જિલ્લાના ભૂદેવો માટે 'બ્રહ્મચોર્યાસી'નું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિપ્રોનું ચંદન, હાર અને ખેસ પહેરાવી પૂજન કરવામાં આવ્યું હતું.

રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિ

આ ધાર્મિક ઉત્સવમાં ખેડા જિલ્લાના સાંસદ અને પૂર્વ મંત્રી દેવુસિંહ ચૌહાણ તથા માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર પણ સહભાગી થયા હતા. દેવુસિંહ ચૌહાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 12 વર્ષની સેવાની વિગતો દર્શાવતા પુસ્તકો અર્પણ કરીને આશીર્વાદ માંગ્યા હતા. આ સમગ્ર ઉત્સવનું સફળ આયોજન ડૉ. સંત વલ્લભદાસજી સ્વામી અને કોઠારી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું, જ્યારે સભા સંચાલન સાળંગપુરવાળા સૂર્યપ્રકાશ સ્વામીએ સંભાળ્યું હતું.