Loading...

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે અકસ્માતઃ થારે ટક્કર મારતા આગળ જતી ઇકો કાર પલટી, 10 ઇજાગ્રસ્ત

આ અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર કુલ 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 05 Apr 2026 05:27 PM (IST)Updated: Sun 05 Apr 2026 05:27 PM (IST)
ahmedabad-vadodara-highway-accident-10-injured-as-eco-car-overturns-near-kheda-toll-722224

Nadiad News: અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર ખેડા ટોલ પ્લાઝા નજીક રવિવારે એક અકસ્માતની ઘટનામાં 10 મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. બેફામ ઝડપે દોડી રહેલી એક થાર ગાડીના ચાલકે આગળ જઈ રહેલી ઈકો કારને પાછળથી પ્રચંડ ટક્કર મારતા ઈકો ગાડી પલટી ખાઈ ગઈ હતી. આ ભયાવહ ઘટના બાદ થારનો ચાલક પોતાની માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાથમિક વિગતો અનુસાર, રવિવારે બપોરના સમયે અમદાવાદ-વડોદરા હાઈવે પર પ્રથમ લેનમાં એક ઈકો ગાડી તેની નિયત ગતિએ આગળ વધી રહી હતી. આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી થાર ગાડીના ચાલકે અચાનક પોતાનો કાબૂ ગુમાવ્યો હતો અને ઈકો કારના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઈકો ગાડી હવામાં ફંગોળાઈને માર્ગ પર જ પલટી ખાઈ ગઈ હતી.

આ અકસ્માતમાં ઈકો ગાડીમાં સવાર કુલ 10 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકો અને અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્ત થયેલા 10 પૈકી 7 મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે 3 મુસાફરોની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તબક્કે જાણા મળ્યું છે.

બનાવ અંગે સ્થાનિકોનું કહેવું છેકે, અકસ્માત સર્જ્યા બાદ થારનો ચાલક રોકાવાને બદલે માનવતા નેવે મૂકીને ફરાર થઈ ગયો હતો. તેણે પોતાની ગાડી ડિવાઈડર પર ચડાવી સામેના ટ્રેક પર કૂદાવી દીધી હતી અને નડિયાદ તરફ અત્યંત ઝડપે ભાગી છૂટ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, થાર ગાડીના બમ્પરનો કેટલોક ભાગ પણ ઘટનાસ્થળે તૂટીને પડ્યો હતો, જે પોલીસે તપાસ માટે કબજે કર્યો છે.

આ ગમખ્વાર અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખેડા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પલટી ખાયેલી ઈકો ગાડીને રસ્તા પરથી હટાવી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. પોલીસે ફરાર થારચાલક વિરુદ્ધ ગુનો નોંધી, ઘટનાસ્થળેથી મળેલા થારના નંબર અને અન્ય પુરાવાઓના આધારે તેની સઘન શોધખોળ હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.