Loading...

Morbi News: વળાંક લઈ રહેલા ટ્રક પરનું કન્ટેનર કાર પર પલટી જતા માઠા પ્રસંગે જઈ રહેલા દંપત્તિનું ઘટના સ્થળે મોત

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જેસીબી કે અન્ય મશીનરીની મદદથી કન્ટેનર હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Mon 22 Dec 2025 05:27 PM (IST)Updated: Mon 22 Dec 2025 05:27 PM (IST)
morbi-news-a-couple-died-when-a-container-on-a-truck-overturned-on-a-car-while-taking-a-turn-660122

Morbi News: સોમવાર મોરબીના જુના ઘૂંટુ રોડ પર આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સોના સિરામિક પાસે આવેલ નદીના પુલ પર વળાંક લેતી વખતે એક માલ ભરેલા ટ્રક પરથી વિશાળ કન્ટેનર બાજુમાંથી પસાર થતી સેન્ટ્રો કાર પર પલટી મારી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાં એક માઠા પ્રસંગમાં હાજરી આપીને ચાર વ્યક્તિઓ સેન્ટ્રો કારમાં સવાર થઈ મોરબી પરત ફરી રહ્યા હતા. બપોરના આશરે સવા વાગ્યાના અરસામાં જ્યારે તેમની કાર જુના ઘૂંટુ રોડ પર સોના સિરામિક સામેના પુલ પરથી પસાર થઈ રહી હતી ત્યારે વળાંક પર સામેથી આવતા એક ટ્રક પર લાદેલું ભારેભરખમ કન્ટેનર અચાનક નમી પડ્યું હતું અને સીધું જ કાર પર ખાબક્યું હતું. કન્ટેનર નીચે દબાઈ જવાથી કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ ગોઝારા અકસ્માતમાં મોરબીના કુંઢીયા પરિવારના દંપતીએ જીવ ગુમાવ્યો છે. અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને જેસીબી કે અન્ય મશીનરીની મદદથી કન્ટેનર હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે, કારમાં સવાર દંપતીને બચાવી શકાયા ન હતા.

મૃતકોના નામ:
મનસુખભાઈ મનજીભાઈ કુંઢીયા (ઉં.વ. 45)
મંજુબેન મનસુખભાઈ કુંઢીયા (ઉં.વ. 40)

ઇજાગ્રસ્તોના નામ:
નાથાભાઈ મનજીભાઈ કુંઢીયા
જયાબેન નાથાભાઈ કુંઢીયા