Morbi News: મોરબીના રવાપર-ઘુનડા રોડ વિસ્તારમાંથી છેલ્લા પાંચ દિવસથી રહસ્યમય રીતે ગુમ થયેલા એક 40 વર્ષીય પરિણીતાના છેક મહારાષ્ટ્રના પૂણેથી સગડ મળતાં પોલીસ અને પરિવારજનો દ્વારા તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
ગુમશુદાની ફરિયાદ નોંધાવી
મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર-ઘુનડા રોડ પર આવેલા ફ્લેટ નંબર 11 (ફ્લોરા-11) માં રહેતા પારુલબેન સંજયભાઈ દેત્રોજા ગત તારીખ 11 જૂન 2026ના રોજ સાંજે આશરે 06:36 વાગ્યાની આસપાસ પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા હતા. પરિવારજનો દ્વારા તેમની સ્થાનિક સ્તરે અને સગા-સંબંધીઓમાં સઘન શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આ અંગે તેમના પતિ સંજયભાઈ છગનભાઈ દેત્રોજાએ મોરબી સિટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી દાખલ કરાવી હતી.

પૂણેમાં છેલ્લું લોકેશન મળ્યું
આ દરમિયાન સોશિયલ મીડિયા પર ગુમશુદાના પોસ્ટર્સ વાયરલ કરાયા હતા. તપાસ દરમિયાન એક મહત્વની કડી હાથ લાગી છે, જેમાં પારુલબેન મહારાષ્ટ્રના પૂણે સુધી પહોંચી ગયા હોવાનું સામે આવ્યું છે. પૂણેના પદ્માવતી બસ પાર્કિંગ વિસ્તારમાંથી તારીખ 12 જૂન 2026ના રોજ સવારે 08:00 વાગ્યાની આસપાસના તેમના સીસીટીવી (CCTV) ફૂટેજ પણ મળી આવ્યા છે, જેમાં તેઓ જોઈ શકાય છે.
પરિવાર દ્વારા મદદની અપીલ
મધ્યમ બાંધો અને ઘઉંવર્ણ રંગ ધરાવતા પારુલબેન મોરબીથી ગુમ થયા બાદ છેક પૂણે પહોંચી જતાં પરિવાર ચિંતિત બન્યો છે અને પોલીસની એક ટીમ પણ આ દિશામાં તપાસ ચલાવી રહી છે. જો કોઈ નાગરિકને આ મહિલા અંગે કોઈ પણ માહિતી મળે, તો તુરંત જ મોરબી પોલીસ અથવા પરિવારના સંપર્ક નંબર 9913338138, 9726922002 અથવા 9925852520 પર સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.
