હળવદના કોયબાની રબ્બર ફેક્ટરીમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા છવાયા; શ્વાસ લેવામાં પણ મુશ્કેલી

રબ્બર ફેક્ટરીમાં લાગેલી આગને 4 શહેરોની 6 ફાયર ફાઇટર ટીમે કાબૂમાં લીધી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 13 Jun 2026 09:51 AM (IST)Updated: Sat, 13 Jun 2026 09:51 AM (IST)
halvad-koyba-rubber-factory-fire-accident-morbi-fire-brigade-operations

Halvad Rubber Factory Fire: મોરબી જિલ્લાના અલગ-અલગ ઔદ્યોગિક વિસ્તારોમાં આગ લાગવાની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારના રોજ હળવદ તાલુકાના કોયબા ગામ પાસે આવેલી રબ્બરના ટાયર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને પગલે ફાયર વિભાગે દોડધામ કરવી પડી હતી.

રબ્બરના કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

કોયબા ગામ પાસે આવેલી આ કંપનીમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. ફેક્ટરીમાં રબ્બરના ટાયર અને કાચો માલ મોટા પ્રમાણમાં હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી ભીષણ હતી કે આકાશમાં દૂર-દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતા.

'મેજર કોલ' જાહેર, 4 શહેરોની ફાયર ટીમની મદદ

આગ વિકરાળ હોવાના કારણે ફાયર વિભાગ દ્વારા તેને 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ હળવદ ઉપરાંત મોરબીની 3 તથા ધ્રાંગધ્રા અને સુરેન્દ્રનગરની એક-એક ટીમની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગની ત્વરિત કામગીરીથી આગને વધુ ફેલાતી અટકાવી શકાઈ હતી.

આમ, અલગ-અલગ 4 શહેરોમાંથી  ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ ચારેય બાજુથી યુદ્ધના ધોરણે પાણીનો મારો ચલાવીને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને કુલિંગની પ્રોસેસ ચાલી રહી છે.

રબ્બર સળગવાની દુર્ગંધ અને શ્વાસ લેવામાં મુશ્કેલી

રબ્બર સળગવાને કારણે ફેક્ટરી અને તેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ભયંકર દુર્ગંધ પ્રસરી ગઈ હતી. આ ઝેરી ધુમાડા અને દુર્ગંધના લીધે ફાયર કર્મીઓ, ફેક્ટરીના કર્મચારીઓ અને આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી અને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ફેક્ટરીમાં આગ કયા કારણોસર લાગી હતી તે હજી સુધી જાણી શકાયું નથી.