Mehsana: ભાણાવાસ ડેરી પ્રમુખ સામે પશુપાલકોનો ઉગ્ર આક્રોશ, 4 દિવસથી દૂધ ન સ્વીકારાતા રસ્તા પર દૂધ વહાવ્યું

મહેસાણાના સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામે દૂધ ડેરીના પ્રમુખની મનમાની સામે પશુપાલકોનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 19 Jun 2026 03:43 PM (IST)Updated: Fri, 19 Jun 2026 03:43 PM (IST)
mehsana-satlasana-bhanavas-dairy-controversy-farmers-protest

Mehsana News: ગુજરાતના સહકારી ક્ષેત્રને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના મહેસાણા જિલ્લામાંથી સામે આવી છે. મહેસાણા જિલ્લાનાં સતલાસણા તાલુકાના ભાણાવાસ ગામે આવેલી સ્થાનિક દૂધ ડેરીના પ્રમુખ અને વહીવટદારોની કથિત દાદાગીરી કરી હોવાનો ગંભીર આક્ષેપ સ્થાનિક પશુપાલકોએ લગાવ્યો છે.

પશુપાલકોએ ડેરી પ્રમુખ પર લગાવ્યા આક્ષેપ

પશુપાલકોએ આક્ષેપ મૂક્યો છે કે, સહકારી નિયમોને નેવે મૂકીને ડેરી તંત્ર દ્વારા છેલ્લા 4 દિવસથી પશુપાલકોને રોજનું અંદાજિત 300 થી 400 લીટર દૂધ સ્વીકાર કરવાની મનાઈ કરવામાં આવી છે, આ આર્થિક નુકસાન અને વહીવટદારોના અમાનવીય વલણથી કંટાળીને પશુપાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પશુપાલકોએ ડેરી પ્રમુખ પર મનમાની ચલાવ્યાનો ગંભીર આક્ષેપ લગાવ્યો છે. વિરોધના પ્રતીક રૂપે પશુપાલકોએ પોતાનું કિંમતી દૂધ રસ્તા પર ઢોળી દીધું હતું, જેને પગલે રસ્તાઓ પર દૂધની નદીઓ વહી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

સામાન્ય સભામાં પ્રમુખે ઉશ્કેરાઈને પશુપાલકોનું અપમાન કર્યું

ભાણાવાસ ગામમાં પશુપાલકો અને ડેરી સંચાલકો વચ્ચેનો વિવાદ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પીડિત પશુપાલકોના આક્ષેપ મુજબ આ વિવાદ પાછળ મુખ્ય કારણ એ છે કે, જ્યારે પશુપાલકો પોતાની ન્યાયિક રજૂઆત કરવા માટે ડેરીની સામાન્ય સભામાં ગયા હતા. ત્યારે પ્રમુખે ઉશ્કેરાઈ જઈને પશુપાલકોનું જાહેરમાં અપમાન કર્યું હતું. તેમને ડેરી પરીસરમાંથી હાંકી કાઢ્યા હતા.

આ ઘટનાના વેરઝેર બાદ પશુપાલકોનું દૂધ લેવાનું સંપૂર્ણપણે બંધ કરી દેવાયું હતું. હાલમાં પશુપાલકો મોટું આર્થિક નુકસાન વેઠવાની મજબૂરી વચ્ચે, ખાનગી વાહનો ભાડે કરીને અન્ય જગ્યાએ દૂધ મોકલવા મજબૂર બન્યા છે.

છેલ્લા 40 વર્ષથી ડેરીમાં ચૂંટણી જ નથી થઈ

ગામના પશુપાલકોએ ડેરીના શાસકો સામે એક મોટો અને ચોંકાવનારો પર્દાફાશ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, છેલ્લા 40 વર્ષથી આ ડેરીમાં કોઈ ચૂંટણી કે વહીવટી ફેરબદલ થયો જ નથી. સરકારી અને સહકારી નિયમો મુજબ દર 5 વર્ષે લોકતાંત્રિક ઢબે ચૂંટણી યોજાવવી અનિવાર્ય છે, પરંતુ ભાણાવાસ ડેરીમાં આ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને સત્તા જકડી રાખવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ પશુપાલકોએ કર્યો છે.

સહકારી કમિશનર પાસે ન્યાયની માંગ

વર્ષોથી પરસેવો પાડીને દૂધ ઉત્પાદન કરતા ગરીબ પશુપાલકોના હિતો જોખમાતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. ભોગ બનનાર પશુપાલકોએ આ સરમુખત્યારશાહી વહીવટ સામે સહકારી ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્ર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે.

પશુપાલકોની મુખ્ય માંગ છે કે, ડેરીની વર્તમાન કમિટીને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને પશુપાલકોને ન્યાય અપાવવામાં આવે.