Mehsana: ચૈત્રી પૂનમના પાવન પર્વે મા બહુચરના દર્શનાર્થે જઈ રહેલા માઈભક્તોને ગંભીર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ,સિદ્ધપુરના ધનાવાડા ગામનો પગપાળા સંઘ બહુચરાજીના મેળામાં જઈ રહ્યો હતો. ત્યારે મહેસાણાના નવા દેલવાડા પાસે 30 માર્ચના રોજ મોડી રાત્રે બેકાબૂ ટ્રકે પદયાત્રીઓને અડફેટે લીધા હતા. આ ગંભીર ઘટનામાં બે માઈભક્તના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે બીજા 7 શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

બેના ઘટનાસ્થળે જ મોત
આ સંઘને નવા દેલવાડા પાસે એક પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે જોરદાર ટક્કર મારી દીધી હતી. આ ગોઝારા અકસ્માતમાં આશરે 9 પદયાત્રીઓ ભોગ બન્યા છે, જેમાં લાલાજી નાગજીજી અને ઠાકોર દલપતજી પારખાનજી નામના બે યુવકના ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યા છે. મોડી રાત્રે બનેલી ઘટનાના લીધે હાઈવે પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી ગયો
અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા મેહુલ જુહાજી ઠાકોર, ઠાકોર જુહાજી, ઠાકોર હેતલબેન, વિક્રમ અમૃતજી ઠાકોર સહિતના 7 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. અકસ્માત બાદ ટ્રકચાલક સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસે સમગ્ર મામલે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી આગળ વધારી છે. જ્યાં બીજી બાજુ બંને મૃત યુવાનોના પીએમ પછી મૃતદેહ પરિવારને સોંપાયા છે.
