Mehsana: શેર બજારની ટીપ્સના નામે ₹17 લાખનું સાયબર ફ્રોડ, ઓપ્શન ટ્રેડિંગના નામે વેપારી ફસાયા

ડીના એક વેપારી અને તેમના પરિવારે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનીને કુલ 17 લાખથી વધુની રકમ ગુમાવી દિધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 18 Jun 2026 07:42 AM (IST)Updated: Thu, 18 Jun 2026 07:42 AM (IST)
mehsana-cyber-fraud-businessman-loses-17-lakh-in-option-trading-scam

Mehsana News: શેરબજારમાં ઓપ્શન ટ્રેડિંગ દ્વારા રાતોરાત મોટો નફો મેળવવાની લાલચ અત્યારે મોંઘી સાબિત થઈ રહી છે. કડીના એક વેપારી અને તેમના પરિવારે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો ભોગ બનીને કુલ 17 લાખથી વધુની રકમ ગુમાવી દિધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુંબઈની કથિત સ્પાર્ટન ટ્રેડિંગ કંપનીના નામે ઓપરેટ કરતા સાયબર ગુનેગારો સામે કડી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાયો છે.

મુંબઈની ફર્મનો 'મેનેજર' બનીને કર્યો સંપર્ક

કડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, કડીની ધરતી સિટી પાસે આવેલી ઉમીયા સોસાયટીમાં રહેતા લોમેશભાઇ અમૃતભાઈ પટેલ (ઉ.વ. 42) ઊંઝાના સરદાર ચોક ખાતે 'મુનલાઇટ' નામની ઇલેક્ટ્રિકની દુકાન ધરાવે છે. તેમના પર એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મુંબઈની ‘સ્પાર્ટન ટ્રેડિંગ કંપની’ના મેનેજર 'અમનભાઈ' તરીકે આપી હતી. તેણે વેપારીને ઓપ્શન ટ્રેડિંગમાં 100% પ્રોફિટેબલ ટીપ્સ આપવાની ખાતરી આપી વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા.

નફો કરાવીને વેપારીને ફસાવ્યા


ગઠિયાઓની જાળમાં ફસાયેલા વેપારીએ શરૂઆતમાં તેમની ટીપ્સ પર ટ્રેડિંગ કર્યું હતું. પ્રથમ સપ્તાહમાં જ વેપારીને 6 લાખનો નફો થતાં તેમનો વિશ્વાસ દ્રઢ થઈ ગયો હતો. આ દરમિયાન કંપનીના ઉચ્ચ અધિકારી 'સુરજભાઈ' તરીકે ઓળખ આપતા અન્ય એક શખ્સે પણ વેપારી સાથે સંપર્ક સાધી મોટો નફો મેળવવાની નવી સ્કીમો બતાવી હતી.

'સેબી રજીસ્ટર્ડ' બેંક ખાતાના નામે નવો ખેલ

 

થોડા સમય પછી ટ્રેડિંગમાં નુકસાન થવા લાગતાં વેપારીએ સુરજભાઈનો સંપર્ક કર્યો. ત્યારે શાતિર સાયબર ક્રિમિનલે એવું બહાનું બનાવ્યું કે:

"તમારા IIFL ના ડીમેટ એકાઉન્ટમાં બ્રોકરેજ ચાર્જ વધુ કપાય છે, જેના કારણે લોસ થઈ રહ્યો છે. જો તમારે બ્રોકરેજ બચાવવું હોય તો અમારી કંપનીના સેબી (SEBI) રજીસ્ટર્ડ બેંક ખાતામાં સીધા નાણાં જમા કરાવવા પડશે."


3 અલગ-અલગ બેંક ખાતામાંથી ₹17 લાખ ટ્રાન્સફર કર્યા

લોસ રિકવર કરવાની લાલચમાં આવીને વેપારીએ ગઠિયાઓએ આપેલા અલગ-અલગ UPI આઈડી અને બેંક એકાઉન્ટ્સમાં પૈસા મોકલવાનું શરૂ કર્યું. તેમણે 1 એપ્રિલ 2025 થી 23 જૂન 2025 દરમિયાન પોતાના પરિવારના 3 જુદા જુદા ખાતાઓમાંથી કુલ ₹17,00,804 ટ્રાન્સફર કરી દીધા:

વેપારીએ ઓનલાઈન ફરિયાદ નોંધાવી

લાખો રૂપિયા પડાવી લીધા પછી પણ સાયબર ગઠિયાઓ વધુ નાણાંનું દબાણ કરતા હતા અને પ્રોફિટ આપવાના બદલે એપ્લિકેશનમાં લોસ બતાવતા હતા. આખરે પોતાની સાથે ઓનલાઈન છેતરપિંડી થઈ હોવાનું સમજાતા વેપારીએ તાત્કાલિક કેન્દ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી, જે અરજી કડી પોલીસ મથકે ટ્રાન્સફર થઈ હતી.

કડી પોલીસની તપાસનો ધમધમાટ

કડી પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે વોટ્સએપ નંબર ધારકો (અમનભાઈ અને સુરજભાઈ) તેમજ જે ICICI અને SBI બેંક ખાતાઓમાં નાણાં જમા થયા છે તેના તમામ એકાઉન્ટ હોલ્ડર્સ સામે આયોજનબદ્ધ છેતરપિંડી (IPC/BNS હેઠળ)નો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.