Loading...

મહેસાણામાં જાણીતી બ્રાન્ડના ગોળમાં ભેળસેળ: ફૂડ વિભાગની તપાસમાં સિન્થેટિક કલર પકડાયો, 6 નમૂના ફેઈલ

છેલ્લા બે મહિનાથી જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દેશી તેમજ સફેદ ગોળમાં થતી ભેળસેળ અંગે ગુપ્ત બાતમીના આધારે સતત સર્વે કરી રહી હતી.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 05 Apr 2026 07:15 PM (IST)Updated: Sun 05 Apr 2026 07:15 PM (IST)
adulterated-jaggery-alert-synthetic-color-found-in-jaggery-6-samples-fail-test-in-mehsana-722270

Mehsana News: મહેસાણા જિલ્લા ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી એક સઘન તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. બજારમાં ધૂમ મચાવતી 'રસમલાઈ' અને 'પોપટ છાપ' જેવી જાણીતી બ્રાન્ડના ગોળના નમૂના ગુણવત્તાના ધોરણો પર ખરા ઉતર્યા નથી, એટલું જ નહીં, તેમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને પ્રતિબંધિત સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 6 ગોળના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં નાપાસ જાહેર કરાયા છે.

છેલ્લા બે મહિનાથી જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરી અને તેમની ટીમ દેશી તેમજ સફેદ ગોળમાં થતી ભેળસેળ અંગે ગુપ્ત બાતમીના આધારે સતત સર્વે કરી રહી હતી. આ ગુપ્ત તપાસના આધારે ડેડિયાસણ GIDCમાં આવેલી હરિક્રિષ્ણા માર્કેટિંગ અને માલ ગોડાઉન રોડ પરની પટેલ સતીશકુમાર મોહનલાલની પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. હરિક્રિષ્ણા માર્કેટિંગમાંથી લેવાયેલા 6 નમૂનાઓ પૈકી 4 નમૂના લેબોરેટરીમાં ફેઈલ થયા હતા, જ્યારે રામકૃષ્ણ માર્કેટની પેઢીમાંથી લેવાયેલા 2 નમૂના પણ પરીક્ષણમાં નાપાસ થયા હતા, જે દર્શાવે છે કે આ બ્રાન્ડનો ગોળ ગુણવત્તા વિહિન છે.

જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, "સામાન્ય રીતે ગ્રાહકો જે ગોળને કેમિકલ મુક્ત 'દેશી ગોળ' માનીને ખરીદે છે, તેને વધુ આકર્ષક બ્રાઉન રંગ આપવા માટે અને સફેદ ગોળને વધુ ચમકદાર બનાવવા માટે વેપારીઓ પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે." તેમણે વધુમાં સ્પષ્ટતા કરી કે, ખાદ્ય સુરક્ષાના કાયદા મુજબ ગોળમાં કોઈપણ પ્રકારના કૃત્રિમ રંગનો ઉપયોગ કરવો ગંભીર ગુનો છે અને તે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.

આ પ્રાથમિક તપાસમાં ખાનગી લેબોરેટરીમાં નમૂનાઓ ફેઈલ થયા બાદ હવે તંત્ર દ્વારા બજારમાં ઉપલબ્ધ અન્ય બ્રાન્ડના ગોળના જથ્થા પર પણ બાજ નજર રાખવામાં આવી રહી છે. વિભાગે સંકેત આપ્યા છે કે આગામી દિવસોમાં મહેસાણા જિલ્લાભરમાં ગોળનું વેચાણ કરતા એકમો પર સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે, જેથી ગ્રાહકોને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે. આ કાર્યવાહી ગોળમાં થતી ભેળસેળ અટકાવવા અને ગ્રાહકોના આરોગ્યનું રક્ષણ કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.