Mahisagar Crime News: સોશિયલ મીડિયા પર સસ્તા પ્રચાર અને 'રિલ્સ' બનાવવાની ઘેલછામાં કેટલાક યુવાનો પોતાના તેમજ અન્ય લોકોના જીવ જોખમમાં મૂકતા સહેજ પણ અચકાતા નથી. આવો જ એક કિસ્સો મહીસાગર જિલ્લામાંથી સામે આવ્યો છે. લગ્નની જાનમાં કેટલાક યુવાનોને ચાલુ ગાડીના બોનેટ પર સ્ટંટ કર્યા હતા. જોકે, આ મામલે વીરપુર પોલીસે કડક કાર્યવાહી કરી છે.
ચાલુ ગાડી પર નબીરાઓના જોખમી સ્ટંટ
વીરપુર પોલીસે આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, ગત 31 મેના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે આ વીડિયો મહીસાગરના સરેડિયા ગામેથી ચાટકી ગામે જઈ રહેલી એક લગ્નની જાનનો છે. લગ્નના ઉત્સાહમાં અંધ બનેલા કેટલાક નબીરાઓ ચાલુ ગાડીના બોનેટ પર ચઢી ગયા હતા.
વધુમાં, આ નબીરાઓ અત્યંત જોખમી રીતે ચાલુ ગાડી પર ડાન્સ કરી સ્ટંટ કરવા લાગ્યા હતા. આ હરકતથી તેમણે માત્ર કાયદાનું જ ઉલ્લંઘન નહોતું કર્યું, પરંતુ હાઈવે પર પસાર થતા અન્ય વાહન ચાલકો માટે પણ મોટું જોખમ ઊભું કર્યું હતું. જાનમાં આવેલા અન્ય કોઈ વ્યક્તિએ જ આ જોખમી સ્ટંટનો વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો હતો.
સાત શખ્સોની ધરપકડ, લાયસન્સ રદ્દ કરાશે
આ વીડિયો વાયરલ થતાં જ વીરપુર પોલીસે તાત્કાલિક ધોરણે એક્શન લીધા અને તપાસ શરૂ કરી હતી. પોલીસે વાઇરલ વીડિયોના આધારે વાહનો અને યુવકોની ઓળખ કરી લીધી હતી. જે બાદ બે ગાડીના ચાલકો તેમજ બોનેટ પર સ્ટંટ કરનારા અન્ય પાંચ યુવકો સહિત કુલ સાત લોકોની ધરપકડ કરી છે.
પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરનો ગુનો નોંધી તેમને જેલના સળિયા ગણાવી દીધા છે. આ ઉપરાંત, ભવિષ્યમાં કોઈ આવી હિંમત ન કરે તે માટે પોલીસે દાખલો બેસાડતા બંને વાહન ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ કાયમી ધોરણે રદ્દ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી છે.
આ પણ વાંચો: Mahisagar: લુણાવાડામાં માનવતા શર્મશાર, 70 વર્ષીય વૃદ્ધે માનસિક અસ્વસ્થ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું
પોલીસ દ્વારા જાહેર જનતા જોગ કડક અપીલ
આ ઘટના બાદ પોલીસે એક જાહેર અપીલ કરતા સ્પષ્ટ ચેતવણી આપી છે કે, સસ્તી પબ્લિસિટી મેળવવા કે વીડિયો વાયરલ કરવાના ચક્કરમાં આ પ્રકારના કોઈપણ જોખમી અને જાનલેવા સ્ટંટ કરવાનું ટાળવું. જો કોઈ વ્યક્તિ રસ્તા પર આવા જોખમી કરતબો કરતી અથવા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતી પકડાશે, તો પોલીસ તેના વિરુદ્ધ સહેજ પણ નરમાશ દાખવશે નહીં અને કડક કાયદાકીય કાર્યવાહી કરશે. આવા ગુનામાં વાહનો જપ્ત કરીને ચાલકોના ડ્રાઇવિંગ લાયસન્સ પણ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે.
