Mahisagar News: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામે પોલીસે મોટા પાયે સફળતા પ્રાપ્ત કરી છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં ગેરકાયદે રીતે વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સહિત કુલ રૂ. 2.37 કરોડનો જથ્થો ઝડપી પાડતાં પોલીસે એક આરોપીને કસ્ટડીમાં લીધો છે.
જિલ્લા પોલીસવડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા વિસ્તારમાં નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓને અનુસરીને બાલાસિનોર ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. નિનામાને બાતમી મળી હતી કે વડદલા તાબે આવેલા રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસની ટીમ ખેતરે પહોંચી હતી.

તપાસ દરમિયાન પોલીસને એરંડાના પાકની વચ્ચે છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપી પાડાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- ગણવામાં આવી છે. પોલીસ દ્વારા સ્થળ પરથી તમામ વસ્તુઓનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
આ કામગીરી દરમ્યાન મહીસાગર જિલ્લાના બાલાસિનોર ના રત્નાજીના મુવાડાના રહેવાશી વાઘજી શીવાભાઈ પરમાર ને પોલીસએ ઝડપી પાડ્યો છે. તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને હજુ વધુ તપાસ ચાલુ છે.
જિલ્લામાં પોલીસવડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી ગેરકાયદે પ્રવૃત્તિઓ, ખાસ કરીને નશીલા પદાર્થોના વેપાર અને વાવેતર સામે તાલુકાવાર કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરની આ કાર્યવાહી જિલ્લા પોલીસે નશીલા પદાર્થો સામે અપનાવેલી સતર્કતા અને તત્પરતા દર્શાવે છે.
