Loading...

Bhavnath No Melo 2026: મહાશિવરાત્રીના મેળા માટે PGVCL 20 નવા ટ્રાન્સફોર્મર લગાવશે, અંડરગ્રાઉન્ડ લાઈનથી છેક ગિરનાર સુધી વીજળી ચાલુ રહેશે

રાજ્ય સરકારના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સેવાઓની તૈયારી થઈ રહી છે. જેમાં એક મહત્વની સેવા પીજીવીસીએલ છે. 184 કર્મચારીઓને ફરજ સોપાશે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 06 Feb 2026 12:26 PM (IST)Updated: Fri 06 Feb 2026 12:26 PM (IST)
pgvcl-to-install-20-new-transformers-for-bhavnath-mahashivratri-melo-2026-underground-lines-up-to-girnar-686793

Bhavnath Mahashivratri Melo 2026 (ભવનાથ નો મેળો 2026): વર્ષ 2026માં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ભવનાથ મહાદેવના મેળાને ભવ્યથી દિવ્ય બનાવવા જૂનાગઢનું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં જોતરાઈ ગયું છે. મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભવનાથ પહોંચે છે ત્યારે તેમને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે તે માટે તમામ વિભાગો દ્વારા આગોતરી આયોજન સાથે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પીજીવીસીએલ દ્વારા મેળા સ્થળ ભવનાથ અને ગિરનાર સુધી અવિરત વીજળી પૂરી પાડવા માટે 20 નવા ટ્રાન્સફોર્મર, અંડરગ્રાઉન્ડ લાઈન અને 184 કર્મચારીઓ સાથે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ જેવી વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

મહાશિવરાત્રી મેળા દરમિયાન ભવનાથ વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં સતત વીજ પુરવઠો મળી રહે તે માટે પીજીવીસીએલ દ્વારા તમામ એચટી અને એલટી લાઈનોની સંપૂર્ણ ચકાસણી તથા જરૂરી મેન્ટેનન્સ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

અંબાજી ફીડર સહિત મહત્વપૂર્ણ લાઈનોની વિશેષ તપાસ કરીને સંભવિત ખામીઓને સમયસર દૂર કરવામાં આવી છે. ઉપરાંત, વધતા વીજ લોડને ધ્યાનમાં રાખી અંડરગ્રાઉન્ડ કેબલ સાથે 20 નવા ટ્રાન્સફોર્મર સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે, જ્યારે 5 જૂના ટ્રાન્સફોર્મરોને બદલી વધુ ક્ષમતાવાળા નવા ટ્રાન્સફોર્મરો સ્થાપિત કરવામાં આવ્યા છે.

કોઈપણ અચાનક પરિસ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાઈ ન જાય તે માટે 4 વૈકલ્પિક ફીડરો તૈયાર રાખવામાં આવ્યા છે, જેથી જરૂર પડ્યે તાત્કાલિક પુરવઠો ચાલુ રાખી શકાય. મેળા દરમિયાન 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ રાખશે.જ્યાંથી સમગ્ર વ્યવસ્થાનું સતત મોનિટરિંગ કરવામાં આવશે. આ સાથે 39 વિશેષ ટીમો અને 184 જેટલા કર્મચારીઓ ફરજ પર તહેનાત રાખવામાં આવ્યા છે.

આ તમામ આયોજન અંગે પીજીવીસીએલ જૂનાગઢના અધિક્ષક ઇજનેર એસ. એચ. રાઠોડે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારનો વીજ વિક્ષેપ ન પડે તે માટે પીજીવીસીએલ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરશે અને સતત સેવાઓ ઉપલબ્ધ રાખવામાં આવશે.