Loading...

19મીથી ઠંડીનું જોર વધશે, ગુજરાતમાં 21થી 25 જાન્યુઆરી માવઠું થવાની શક્યતા, જાણો પરેશ ગોસ્વામીની આગાહી

ઉત્તર ભારતમાં સક્રિય થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ, 21 થી 25 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાની પણ સંભાવના છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Fri 16 Jan 2026 11:57 AM (IST)Updated: Fri 16 Jan 2026 11:57 AM (IST)
paresh-goswami-predicts-severe-cold-in-gujarat-this-week-latest-weather-update-674914

Paresh Goswami Weather Forecast: ઉત્તરાયણ પર્વ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો પરંતુ આજે ઠંડીમાં આંશિક રાહત જોવા મળી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ બે દિવસ હળવી ઠંડી રહ્યાં બાદ 19 જાન્યુઆરીથી ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. સાથે જ તેમણે 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે. તેમના દ્વારા ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે બરફવર્ષા અને વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં 19 જાન્યુઆરીથી ફરી ઠંડી જોર પકડશે

પરેશ ગોસ્વામીએ જણાવ્યા અનુસાર, ગુજરાતમાં હાલ શીત લહેરનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સિંગલ ડિજિટમાં નોંધાયું છે. ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં 7 થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે, જ્યારે કચ્છના નલિયામાં 9 ડિગ્રી અને સૌરાષ્ટ્રના અમરેલીમાં 7 ડિગ્રી તાપમાન નોંધાતા ભારે ઠંડીનો અનુભવ થયો છે.

જોકે, 17 અથવા 18 જાન્યુઆરીથી બે દિવસ માટે ઠંડીમાં આશરે 2 ડિગ્રીની નજીવી રાહત મળી શકે છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધુમ્મસ અને ઝાકળનું પ્રમાણ પણ જોવા મળશે. પરંતુ, 19 જાન્યુઆરીથી ફરી ઠંડીનું જોર યથાવત રહેશે અને ઉત્તર ભારતમાં થનારી ભીષણ બરફવર્ષાને કારણે રાજ્યમાં ઠંડીમાં વધુ વધારો થશે.

21 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે

પરેશ ગોસ્વામીની આગાહી મુજબ, જાન્યુઆરીના અંતિમ તબક્કામાં, ખાસ કરીને 21 જાન્યુઆરીથી હવામાનમાં મોટો પલટો આવશે. ઉત્તર ભારત પરથી એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે. આને કારણે જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા પહાડી પ્રદેશોમાં 21 થી 26 જાન્યુઆરી દરમિયાન ભારે બરફવર્ષા અને ભીષણ વરસાદ થવાની પ્રબળ શક્યતા છે. આ સમયગાળા દરમિયાન ત્યાં જનજીવન ખોરવાઈ શકે છે, અને હવામાનનું અત્યંત રૌદ્ર સ્વરૂપ જોવા મળી શકે છે. પ્રવાસીઓને, ખાસ કરીને ગુજરાતી પ્રવાસીઓને, આ સમયગાળા દરમિયાન ઉત્તર ભારતના આ વિસ્તારોમાં પ્રવાસ ટાળવા સલાહ આપવામાં આવી છે.

21 થી 25 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા

ઉત્તર ભારતમાં સક્રિય થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ, 21 થી 25 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત, હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 18 જાન્યુઆરીથી પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થવાની પણ આગાહી કરી છે. હાલ પવનની સરેરાશ ગતિ 11 થી 13 કિલોમીટર પ્રતિ કલાકની છે, જે વધીને 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ખેડૂતોને 18 તારીખ પહેલા પિયત વ્યવસ્થા પૂર્ણ કરી લેવાની સલાહ આપવામાં આવી છે, જેથી પાકને પવન અને સંભવિત માવઠાથી થતા નુકસાનથી બચાવી શકાય.