Loading...

Mahashivratri mela 2026: પવિત્ર દામોદર કુંડમાં સફાઈ અભિયાન, બે દિવસ શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે કુંડ અને ઘાટ

આજથી શરૂ થનારી સફાઈ કામગીરી બે દિવસ ચાલશે, જેમાં કુંડના તળિયાની સફાઈ અને ઘાટને ધોવામાં આવશે. જે બાદ કુંડમાં સ્વચ્છ પાણી ભરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 03 Feb 2026 10:16 AM (IST)Updated: Tue 03 Feb 2026 10:16 AM (IST)
mahashivratri-mela-2026-damodar-kund-closed-for-two-day-due-to-cleaning-campaign-684866
HIGHLIGHTS
  • જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાને લઈને તૈયારીઓ
  • દામોદર કુંડમાં ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું
  • આજથી બે દિવસ શ્રદ્ધાળુઓ માટે બંધ રહેશે કુંડ અને ઘાટ

Junagadh Mahashivratri mela: આગામી 11 ફેબ્રુઆરીથી જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળો યોજાશે. મિની કુંભ તરીકે ઓળખાતા આ મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્ર અને સ્થાનિક પદાધિકારીઓ દ્વારા પૂર્વતૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત દામોદર કુંડ ખાતે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

પવિત્ર દામોદર કુંડ ખાતે ખાસ સફાઈ અભિયાન

પાંચ દિવસ ચાલનાર આ મહાશિવરાત્રી મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓની સુવિધા અને સ્વચ્છતાને ધ્યાને રાખીને પવિત્ર દામોદર કુંડ ખાતે ખાસ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સફાઈ અભિયાનને ધ્યાને રાખીને આજે મંગળવારથી બે દિવસ માટે દામોદર કુંડ ભાવિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કુંડ અને ઘાટ પર સઘન, સ્વચ્છ પાણી ભરવામાં આવશે

આ અંગે માહિતી આપતા દામોદર કુંડ તીર્થ ક્ષેત્રના પ્રમુખ નીલેશભાઈ પુરોહિતે જણાવ્યું કે, પવિત્ર દામોદર કુંડ અને ઘાટ પર સઘન સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા માટે કુંડનું પાણી ખાલી કરવામાં આવ્યું હોવાથી આગામી બે દિવસ સુધી અહીં તમામ પ્રકારની ધાર્મિક વિધિઓ અને સ્નાન બંધ રહેશે. આગામી 5 ફેબ્રુઆરી, ગુરુવારથી કુંડમાં સ્વચ્છ પાણી ભરીને રાબેતા મુજબ શરૂ કરી દેવાશે.

બે દિવસ કુંડ બંધ રહેશે, મુલાકાત ટાળવા અપીલ

આજથી શરૂ થનારી સફાઈ કામગીરી બે દિવસ ચાલશે, જેમાં કુંડના તળિયાની સફાઈ અને ઘાટને ધોવામાં આવશે. આગામી 5 ફેબ્રુઆરી, ગુરુવારથી શ્રદ્ધાળુઓ ફરીથી દામોદર કુંડમાં પવિત્ર સ્નાન અને પિતૃ તર્પણ જેવી ધાર્મિક વિધિ કરી શકશે. દૂર-દૂરથી આવતા શ્રદ્ધાળુઓને મુશ્કેલી ન પડે તે માટે આ બે દિવસ મુલાકાત લેવાનું ટાળવા વિનંતી કરવામાં આવી છે. 

વ્યવસ્થા-સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી

મહાશિવરાત્રી ​મેળાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોમવારે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, સ્થાનિક ધારાસભ્ય, મેયર, ડેપ્યુટી મેયર અને SDM સહિતના અધિકારીઓએ દામોદર કુંડથી લઈ ભવનાથ તળેટી સુધીના સમગ્ર માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન મેળામાં લાઈટ, પીવાનું પાણી, અને પાર્કિંગની સુવિધા અંગે ચર્ચા કરી સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.