Kesar Mango Price in Junagadh Marketing Yard: વિશ્વવિખ્યાત જૂનાગઢ કેસર કેરીના આગમન સાથે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સીઝનના વિધિવત શ્રીગણેશ થયા છે. આંબાના શોખીનો અને વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જોકે પ્રથમ દિવસે અંદાજિત 700 બોક્સની મર્યાદિત આવક નોંધાઈ હતી. આ પ્રારંભિક હરાજીમાં 10 કિલોના ભાવ 1100 થી 1800 રૂપિયા સુધી બોલાયા હતા, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે ઊંચા છે. ચાલુ વર્ષે કમોસમી વરસાદની માઠી અસર છતાં કેરીની સીઝન લાંબી ચાલે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
પ્રથમ દિવસે 700 બોક્સ કેરીની આવક નોંધાઇ
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની સિઝનની શરૂઆત ધામધૂમથી કરવામાં આવી હતી. ફળોના રાજા ગણાતી કેસર કેરીનું બજારમાં આગમન થતાં જ વેપારીઓ અને ખેડૂતોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ દિવસે અંદાજિત 700 બોક્સ કેરીની આવક નોંધાઈ હતી. જથ્થો મર્યાદિત હોવાને કારણે બજારમાં પ્રારંભિક ગરમાવો જોવા મળ્યો છે.
10 કિલો બોક્સના ભાવ 1800 રૂપિયા સુધી બોલાયા
જૂનાગઢ યાર્ડમાં થયેલી પ્રથમ હરાજીમાં કેસર કેરીના ભાવે સૌને આશ્ચર્યચકિત કર્યા છે. 10 કિલોના એક બોક્સના ભાવ 1100 રૂપિયાથી શરૂ કરીને 1800 રૂપિયા સુધી બોલાયા હતા. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે કેરીના ભાવ નોંધપાત્ર રીતે ઊંચા રહેવાની શક્યતા દેખાઈ રહી છે. પ્રીમિયમ ગુણવત્તાવાળી કેરી મેળવવા માટે મોટા વેપારીઓ વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી હતી, જેના કારણે શરૂઆતી ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.

ખેડૂત અગ્રણી જગદીશભાઈ ગોંડલીયાના જણાવ્યા અનુસાર, વાતાવરણમાં વારંવાર આવતા પલટા અને રોગચાળાએ આંબાના બગીચાઓને ભારે નુકસાન પહોંચાડ્યું છે. ઇજારેદારોએ પાક બચાવવા માટે 7 થી 8 વખત મોંઘી દવાનો છંટકાવ કર્યો છે. જે બગીચામાં 500 બોક્સ ઉતરવાની આશા હતી, ત્યાં માંડ 200 બોક્સ તૈયાર થયા છે. અગાઉ જે ક્વોલિટીના રૂ.1,800 મળતા હતા, તેની સામે અત્યારે માંડ રૂ.1,200 થી રૂ.1,500 મળી રહ્યા છે, જે ખર્ચની સામે ખૂબ ઓછા છે.
કમોસમી વરસાદ અને માવઠાની પાક પર અસર
ચાલુ વર્ષે કુદરતી આફતોએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. ભરઉનાળે થયેલા કમોસમી વરસાદ અને માવઠાની અસર કેસર કેરીના પાક પર સીધી રીતે જોવા મળી છે. ખરાબ હવામાનને કારણે આંબા પરથી મોર ખરી જવાની અને ફળમાં નુકસાની થવાની ઘટનાઓ બની છે. આ પ્રતિકૂળ વાતાવરણના કારણે જ કેરીના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર બજારમાં આવતા જથ્થા અને ભાવ પર પડી રહી છે. ઉત્પાદન ઓછું હોવાથી આ વર્ષે કેરીના રસિયાઓએ ખિસ્સા વધુ ખાલી કરવા પડી શકે છે.
