Visavadar Municipality Fight: જૂનાગઢની વિસાવદર નગરપાલિકા હાલ ચર્ચામાં આવી છે. અહીં ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી માથાકૂટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે બંને પક્ષ તરફથી સામસામે પોલીસમાં અરજી થઈ છે. એક તરફ છરી બતાવી હુમલાનો પ્રયાસ કર્યાનો આક્ષેપ છે, તો બીજી તરફ ગેરકાયદે કામો માટે દબાણ અને ગાળાગાળીના આક્ષેપો કરવામાં આવ્યા છે.
ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થઈ માથાકૂટ
આ અંગે મળતી વિગત અનુસાર વિસાવદર નગરપાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે કોઈ એક મુદ્દે માથાકૂટ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં નગરપાલિકા ચીફ ઓફિસર અને નગરપાલિકાના ઉપપ્રમુખ સામસામે આવી જાય છે. વધુમાં, બંને ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા.
ચીફ ઓફિસરે હુમલો કર્યાનો આરોપ
આ સમગ્ર બનાવ અંગે વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ જણાવ્યું કે, શહેરના વિકાસ કામોના ટેન્ડર ઘણા સમયથી પેન્ડિંગ હતા, જે બાબતે રજૂઆત કરવા અન્ય સભ્યો સાથે ચીફ ઓફિસર પાસે ગયા હતા. ઉપપ્રમુખનો આક્ષેપ છે કે, ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ ઉશ્કેરાઈને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો અને ટેબલ પર પડેલી છરી કે કટર વડે હુમલો કરવાની કોશિશ કરી હતી.
આ પણ વાંચો: ભવ્ય ડમરુ યાત્રા ભવનાથ મેળાનું આકર્ષણ, સર્વ સમાજની દીકરીઓ માથે કળશ લઈ સંતોનું સ્વાગત કરશે
ઉપપ્રમુખ અને સાથીઓએ ગેરવર્તન કર્યાનો આક્ષેપ
સામા પક્ષે ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા જણાવ્યું કે, ઉપપ્રમુખ અને તેમની સાથે આવેલા લોકો એન્જિનિયર દ્વારા થતા કામોમાં દખલગીરી કરી રહ્યા હતા. ગેરકાયદેસર રીતે કામો કરવા અને ખોટા બિલ પાસ કરાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. જ્યારે નિયમ મુજબ કામ કરવાનું કહ્યું ત્યારે ઉપપ્રમુખ અને તેમના સાથીઓએ ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું હતું. ચીફ ઓફિસરે 'નોનસેન્સ, ગેટ આઉટ' કહીને તેમને ચેમ્બરની બહાર નીકળી જવા જણાવ્યું હતું.
બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વહીવટી તંત્રના કામગીરી પર સવાલ ઉભા થયા છે. આ મામલે ઉપપ્રમુખ રમેશ માંગરોળીયા સહિત બે શખસો સામે અને સામા પક્ષે ચીફ ઓફિસર સામે પોલીસમાં અરજી કરવામાં આવી છે. હાલ પોલીસે બંને પક્ષની રજૂઆત નોંધીને વાયરલ વીડિયોના આધારે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
