Junagadh News: રાજ્યમાં લગ્ન ઉત્સુક યુવાનોને નિશાન બનાવતી એક આંતરરાજ્ય 'લૂંટેરી દુલ્હન' ગેંગ સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જૂનાગઢ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અપરણિત તેમજ છૂટાછેડા લીધેલા યુવાનોને પોતાની જાળમાં ફસાવીને આ ટોળકી લાખો રૂપિયા પડાવી રહી છે. લગ્ન જેવા પવિત્ર સંબંધને હથિયાર બનાવીને આ ગેંગે આંતરરાજ્ય નેટવર્ક ઊભું કર્યું છે.
લગ્ન કરવા ઈચ્છતા યુવાનો હોય છે ટાર્ગેટ
દરેક જિલ્લામાં સક્રિય લેભાગુ દલાલો લગ્ન કરવા ઈચ્છતા નવયુવાનોને શોધી કાઢે છે. યુવાન કે તેના પરિવારને કન્યા બતાવવામાં આવે છે અને પસંદગી થતાં જ 'ટોકન' પેટે મોટી રકમ વસૂલવામાં આવે છે. લગ્ન નક્કી થયા બાદ દલાલો દ્વારા 50 હજારથી લઈ 1.50 લાખ કે તેથી વધુ રકમ પડાવવામાં આવે છે. પોલીસ કે કાયદાકીય તપાસથી બચવા માટે આ લગ્ન કોઈ મંદિર અથવા કોર્ટમાં સાદી રીતે કરાર આધારિત કરવામાં આવે છે.
લગ્ન કર્યા બાદ દુલ્હન થઈ જાય ફરાર
લગ્ન સંપન્ન થયાના થોડા દિવસો સુધી કન્યા યુવકના ઘરે સારી રીતે રહે છે. ત્યારબાદ અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ, કોઈ બહાનું કાઢી કન્યા પોતાના માવતરે જતી રહે છે. ત્યારબાદ પરત આવવાને બદલે નખરાં કરવામાં આવે છે. દબાણપૂર્વક પાછી આવે તો પણ થોડા જ દિવસોમાં ફરીથી બહાનું કાઢીને તે ફરાર થઈ જાય છે.
છેતરાયેલા યુવાનોએ કાર્યવાહીની કરી માંગ
ઘણા કિસ્સામાં છેતરાયેલા યુવાનોએ સ્થાનિક પોલીસમાં લેખિત અરજીઓ કરી છે, પરંતુ ક્યાંય પણ FIR દાખલ કરવામાં ન આવતાં ભોગ બનનારાઓ નિરાશામાં છે. અંતે ન્યાયની આશા સાથે પીડિતોએ રાજ્યના પોલીસ વડા અને મુખ્યમંત્રીને પત્ર લખીને આ ટોળકી વિરુદ્ધ 'માનવ તસ્કરી' સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
