Loading...

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેકાવનાર ખરેખર કોણ? જૂતું ફેંકનારે ફરી બદલ્યું પોતાનું નિવદેન, કહ્યુ- પિયુષભાઈના કહેવાથી આવું કર્યું

અગાઉ જે કહ્યું હતું તેનાથી એકદમ વિપરિત નિવેદન આપતા જણાવ્યું છેકે, આપ નેતા પિયૂષ પરમારના કહેવાથી તેણે વિસાવદરના ધારાસભ્ય પર જૂતું ફેક્યું છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 18 Jan 2026 01:17 PM (IST)Updated: Sun 18 Jan 2026 01:17 PM (IST)
gopal-italia-shoe-throw-case-new-twist-in-shoe-attack-case-accused-youth-changes-statement-675988

Junagadh News: ગત 16 જાન્યુઆરી 2026ના રોજ માળિયા હાટીનામાં એક સભા દરમિયાન વિસાવદરના ધારાસભ્ય અને આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી દ્વારા ભાજપ પર આક્ષેપ કરાઈ રહ્યાં છે, જ્યારે ભાજપ દ્વારા તેનો જવાબ આપવામાં આવ્યો છે. આ બધાની વચ્ચે નવો વળાંક આવ્યો છે. જે યુવકે જૂતું ફેંક્યું હતું તેણે ફરી પોતાનું નિવેદન બદલ્યું છે અને કહ્યું છેકે પિયુષભાઈના કહેવાથી તેણે કૃત્ય કર્યું હતું.

જૂતું ફેંકનારે ફરી બદલ્યું પોતાનું નિવદેન

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકનાર યુવક વારંવાર પોતાનું નિવેદન બદલી રહ્યો છે. તેનું એક નવુ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે અગાઉ જે કહ્યું હતું તેનાથી એકદમ વિપરિત નિવેદન આપતા જણાવ્યું છેકે, આપ નેતા પિયૂષ પરમારના કહેવાથી તેણે વિસાવદરના ધારાસભ્ય પર જૂતું ફેક્યું છે. તેના નવા નિવદેનનો જે નવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે, તેમાં યુવક જણાવ્યું છેકે, મને આમ આદમી પાર્ટીથી કે અન્ય કોઈ પણ બાબતથી કોઈ વિરોધ નહોતો. મેં મારા મકાન ન હોવા અને ભાડે રહેવા અંગે અગાઉ જાહેરાત પણ કરી હતી. મારી આ બાબત પર કોઈએ ધ્યાન આપ્યું નહોતું. જેના કારણે મને ગુસ્સો આવ્યો અને મેં ચંપલનો ઘા કરી દીધો હતો.

તેણે વધુમાં કહ્યું કે ત્યારબાદ હું ઘરે આવી ગયો હતો. અડધી રાત મને જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ હું ઘરે પરત આવી ગયો હતો. બીજા દિવસે હું ભંડુરી ગામમાં હતો ત્યારે ગામની ત્રણ વ્યક્તિએ મારી સાથે મારપીટ કરી હતી. જેની ફરિયાદ નોંધાવવા આવ્યો છું પણ હજી સુધી મારી ફરિયાદ લીધી નથી. મે આ અમારા પિયુષભાઇના કહેવાથી કર્યું હતું. તેમણે મને કહ્યું હતું કે, ગોપાલભાઈને તું ચંપલ માર, ગોપાલભાઈ થોડાક આગળ આવે. પિયુષભાઈએ કરાવ્યું એટલે મેં આ કર્યું.

આ પહેલા જૂતું ફેંકનારે શું કર્યા હતા આક્ષેપ

આ પહેલા જૂતું ફેંકનાર શબીર મીરનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેણે આક્ષેપ કર્યા હતા કે, તેને માળિયા ગોપાલભાઈ પર જૂતો ફેંકવા માટે ભરતભાઈ અને પોતાને મંત્રી ગણાવનાર અન્ય એક વ્યક્તિ દ્વારા પૈસાની લાલચ આપવામાં આવી હતી. આ કાર્ય માટે તેને અડધા પૈસા આપવાનું વચન અપાયું હતું.

વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભંડુરી ગામના મિત (રામજીભાઈ/બકાભાઈના પુત્ર), ફોર-વ્હીલ કારના માલિક રાજુભાઈ અને પોતાને પોલીસકર્મી તરીકે ઓળખાવનાર એક ડ્રાઈવર હતા, જેમણે તેને કોઈ કાનૂની કાર્યવાહીનો સામનો નહીં કરવો પડે તેવી ખાતરી આપી હતી. જ્યારે તે માણાવદર ખાતે સંગીત કાર્યક્રમ કરી રહ્યો હતો, ત્યારે તેને ફોર-વ્હીલ ગાડીમાં બોલાવી લઈ જવામાં આવ્યો હતો. ત્યાં તેને દારૂ પીવડાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ માળિયા ગોપાલભાઈ પર ચંપલ ફેંકવાનું કૃત્ય કરાવવામાં આવ્યું હતું.

શું હતી ઘટના?

16મી જાન્યુઆરીની રાત્રે જ્યારે ગોપાલ ઈટાલિયા મંચ પરથી ખેડૂતોને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે પ્રેક્ષકોમાં બેઠેલા એક શખસે અચાનક તેમના પર જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ત્યાં હાજર સતર્ક પોલીસ અને ‘આપ’ના કાર્યકર્તાઓએ હુમલો થાય તે પહેલાં જ હુમલાખોરને દબોચી લીધો હતો.