Junagadh: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય કાર્યક્રમ 'પરીક્ષા પે ચર્ચા' અંતર્ગત ગુજરાતના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જૂનાગઢની મુલાકાત લીધી હતી. આ તકે તેઓએ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધી વડાપ્રધાનના પ્રેરણાદાયી માર્ગદર્શનને નિહાળ્યું હતું.
શિક્ષણ મંત્રીએ જૂનાગઢની આર.જે. કનેરિયા ગર્લ્સ હાઈસ્કૂલ, PM કન્યાશાળા નંબર-4 અને ગર્લ્સ હાઈસ્કૂલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે માત્ર શૈક્ષણિક કાર્યનું નિરીક્ષણ જ ન કર્યું, પરંતુ વિદ્યાર્થીનીઓ અને તેમના વાલીઓ સાથે મુલાકાત કરી તેમના મંતવ્યો જાણ્યા હતા.
મંત્રીની સરળતા ત્યારે જોવા મળી જ્યારે તેમણે પ્રાયમરી સ્કૂલના નાના બાળકો સાથે મિત્રતા કેળવી, તેમની સાથે વાતો કરી અને મેદાનમાં ઉતરીને ખો-ખોની રમત પણ રમી હતી.
રિવાબા જાડેજાએ સરકારી શાળાના બાળકો સાથે બેસીને મધ્યાહન ભોજન (Mid-Day Meal) લીધું હતું અને ભોજનની ગુણવત્તા ચકાસી હતી. સરકારી પ્રાથમિક કન્યાશાળામાં કાર્યરત ઇકો ક્લબ, સ્પોર્ટ્સ ક્લબ અને કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ તેમણે આધુનિક શૈક્ષણિક સુવિધાઓની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત, કરાટે, ખેલ મહાકુંભ અને અન્ય સ્પર્ધાઓમાં ઈનામ જીતનાર પ્રતિભાશાળી બાળકોને મળીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે "ગુજરાતની આવી શાળાઓ રાજ્યના શિક્ષણના ઊંચા સ્તરને દર્શાવે છે. અહીં શિક્ષણની સાથે સંસ્કૃતિનો પણ અનોખો પરિચય મળે છે. વડાપ્રધાનના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે અને પરીક્ષાનો ડર દૂર થાય છે."
