Bhavnath Mahashivratri Mela 2026: જૂનાગઢના પ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાની પાવન ઘડીઓ નજીક આવતાં ગિરનારની તળેટીમાં આવેલું માં વાઘેશ્વરીનું મંદિર પણ ભક્તોની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. ભવનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના મેળા દરમિયાન માતાજીના આશીર્વાદ લેવા પણ અવશ્ય પહોંચે છે.
જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં બિરાજતા માં વાઘેશ્વરીનું મંદિર એ શ્રદ્ધા, શક્તિ અને પરંપરાનું ત્રિવેણી સંગમ છે. આગામી મહાશિવરાત્રીના મેળાના સંદર્ભમાં આ મંદિરનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે, કારણ કે લાખો ભક્તો ભવનાથ મહાદેવના દર્શન સાથે માં વાઘેશ્વરીના આશીર્વાદ લેવાનું ચૂકતા નથી.

જૂનાગઢના ગિરનારની તળેટીમાં બિરાજમાન વાઘેશ્વરી મંદિરનો મહિમા અને ઐતિહાસિક વારસો અનોખો છે. જૂનાગઢની પવિત્ર ભૂમિ પર બિરાજમાન મા વાઘેશ્વરી મંદિરનો ઇતિહાસ આશરે 700 થી 800 વર્ષ જૂનો છે. આ મંદિરના પૂજારી સુરેશકુમાર પોપટલાલ મહેતાના જણાવ્યા અનુસાર, ભક્તકવિ નરસિંહ મહેતાના વંશજ એવા એક પરમ બ્રાહ્મણ ભક્તની અતૂટ શ્રદ્ધાથી પ્રસન્ન થઈને માતાજીએ ગિરનાર પર્વત પર સ્થિત 'ઉપલા વાઘેશ્વરી મંદિર' ખાતે સ્વપ્નમાં દર્શન આપ્યા હતા. ભક્તે માતાજી પાસે એવું વરદાન માંગ્યું હતું કે, તેઓ અહીં ગુપ્ત રીતે વાસ કરે અને શરણે આવતા તમામ ભક્તોના દુઃખ-દર્દ દૂર કરે.

વાઘની સવારી અને 'વાઘેશ્વરી' નામનું પૌરાણિક રહસ્ય લોકવાયકા મુજબ, માતાજીએ ભક્તના નિવાસ્થાને આરામ કર્યા બાદ જ્યારે તેઓ અંતરધ્યાન થયા, ત્યારે તેમણે વાઘની સવારી કરી હતી.વાઘ પર સવાર થઈને પ્રગટ થયા હોવાથી તેઓ જગતમાં 'વાઘેશ્વરી' તરીકે ઓળખાયા.માતાજી સાક્ષાત્ જગતજનની જગદંબા, દુર્ગા, ચંડી, ચામુંડા અને મહિષાસુર મર્દિનીનું જ સ્વરૂપ છે, જે ભક્તોના કલ્યાણ અર્થે વિવિધ રૂપો ધારણ કરે છે.

દેશ-વિદેશના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર અને ઉત્સવો આ સ્થળ માતાજીનું પ્રાગટ્ય સ્થાન હોવાથી અહીં માત્ર જૂનાગઢ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર ભારત અને વિદેશથી પણ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષ દરમિયાન આવતી ચારેય નવરાત્રીઓમાં અહીં ભક્તિભાવપૂર્વક વિશેષ ઉત્સવો ઉજવવામાં આવે છે.

હાલમાં જ્યારે મહાશિવરાત્રીના મેળાનું પાવન પર્વ નજીક છે, ત્યારે દેશ-વિદેશથી આવતા શ્રદ્ધાળુઓ માટે અહીં ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. ભવનાથના મેળામાં આવતા દિગંબર સાધુઓ માટે પણ આ શક્તિપીઠ આસ્થાનું સ્થાન છે. શિવ અને શક્તિના મિલનના પર્વમાં ભક્તો મહાદેવની સાથે માતાજીની આરાધના કરે છે.

શિવરાત્રીના મેળા દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ જ્યારે ગિરનાર તળેટીમાં પહોંચે છે, ત્યારે વાઘેશ્વરી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. મંદિરની આસપાસની કુદરતી સૈાદર્ય ભક્તોના મનને શાંતિ આપે છે. મંદિરનું શિખર અને તેની કોતરણી ભવ્ય છે. મંદિરની આસપાસ ઘટાદાર વૃક્ષો અને પહાડોની હારમાળા આવેલી છે, જે વાતાવરણને અત્યંત પવિત્ર અને રમણીય બનાવે છે. નવરાત્રી અને શિવરાત્રી જેવા તહેવારોમાં અહીં વિશેષ શણગાર અને હવન કરવામાં આવે છે.

મહાશિવરાત્રી મેળાના આયોજન અંગે જણાવતાં તેમણે જણાવાયું હતું કે, દર વર્ષે વહીવટી તંત્ર દ્વારા જૂનાગઢ ખાતે મહાશિવરાત્રી મેળાનું વિશાળ અને સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે છે. આ વખતે રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગથી ભક્તોની સુવિધા, સુરક્ષા, આરોગ્ય, સ્વચ્છતા તથા ટ્રાફિક વ્યવસ્થાને લઈ વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રી મેળાનું ભવ્ય આયોજન થનાર હોઈ, ગિરનાર તળેટીમાં આવેલા માં વાઘેશ્વરી મંદિરે ભક્તો માટે ખાસ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવનાર છે.
