Junagadh, Girnar Arohan Avrohan 2026: : 1 ફેબ્રુઆરીએ જોમ અને જુસ્સા સાથે રાજ્યના સૌથી ઊંચા પર્વત ગિરનારને સર કરવા આજે દેશના 12 રાજ્યોના 516 સ્પર્ધકોએ દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં સિનિયર બહેનોમાં પ્રથમ ક્રમે 32.14 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની તામસી સિંઘે મેદાન માર્યું હતું.
સિનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે ગુજરાત ના વસાવા અનિલે 58.16 મિનિટમાં, જયારે જુનિયર બહેનોની કેટેગરીમાં પ્રથમ ક્રમે 37.20 મિનિટના સમય સાથે ઉત્તર પ્રદેશની બંદના યાદવ અને જુનિયર ભાઈઓમાં પ્રથમ ક્રમે 60.52 મિનિટના સમય સાથે ગુજરાતના દિવાકર રાજભરે પ્રથમ ક્રમ હાસિલ કર્યો હતો.
જયારે સીનિયર બહેનોમાં બીજા ક્રમે ઉતર પ્રદેશની નેહા મિશ્રાએ 38.55 મિનીટમા ,ત્રીજા ક્રમે ગુજરાતના વેગડ કાજલ એ 39.26 મિનીટમાં, સીનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વસાવા ઈનેશ એ 59.16 મિનીટ સાથે, ત્રીજા ક્રમે દીવના વીજ્ઞનેશ ચીમનલાલ એ 60.19 મિનીટના સમય સાથે, જુનિયર બહેનોમાં બીજા ક્રમે ગુજરાતના કઠેસીયા અસ્મિતા 37.36 મિનીટ સાથે, ત્રીજા ક્રમે ગુજરાતના સોલંકી કાજલ 38.7 મિનીટના સમય સાથે, જુનિયર ભાઈઓમાં બીજા ક્રમે ગુજરાતના વીમલ વણઝારા 64.10 મિનીટ સાથે ,ત્રીજા ક્રમે ઉતર પ્રદેશના અંકુરભાઈ એ 65.19 ના સમય સાથે ગિરનાર સર કર્યો હતો.

યુવક સેવા સાંસ્કૃતિક વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અખિલ ભારત ગિરનાર આરોહણ સ્પર્ધા સવારે 6-45 કલાકે ભાઈઓના પ્રથમ ચરણની સ્પર્ધાનો કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો. ત્યાર પછી બહેનોની સ્પર્ધાનો પ્રારંભ થયો હતો.
મંગલનાથ આશ્રમ ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ પદાધિકારીઓ – અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યા હતા.
ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડીયાએ અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું હતું કે, 18મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 12 જેટલા રાજયોમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે.

તેમણે ઉમેર્યું હતું કે, PM મોદીનો ફિટ ઇન્ડિયાનો મંત્ર અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મેદસ્વિતા મુકત ગુજરાતની નેમ ને ગિરનાર સ્પર્ધા સાર્થક કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પ્રયાસોના કારણે ગિરનાર આરોહણ અવરોહણની અઘરી ગણાતી સ્પર્ધામાં ઇનામી રાશિમાં માતબર વધારો કરવામાં આવ્યો છે.
તપોભૂમિ ગિરનાર પર્વત પર સ્પર્ધા યોજાય છે, ત્યારે અહીં સ્પર્ધકોને ગિરનારી મહારાજના, સાધુ સંતોના આશીર્વાદ મળે છે. અહીંથી સ્પર્ધકોને એક અનોખી ઉર્જા અને ચેતના મળે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં સ્પર્ધકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે એ રીતે આયોજિત કરવામાં આવે છે. તેમણે સ્પર્ધાના સફળ આયોજન બદલ યુવા વિકાસ અધિકારી શ્રી નીતાબેન વાળા અને તેની ટીમને અભિનંદન આપ્યા હતા.
આ પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યુ હતુ કે, અતિ કઠિન ગણાતી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેવો એ જ ગૌરવની વાત છે.તેમણે 18 મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા.

જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ અત્યંત કઠિન ગણાતી આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અત્યંત પડકારજનક ગણાતી ગિરનાર સ્પર્ધા આ વર્ષે બાર રાજ્યમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો છે.
સમારોહમાં સ્વાગત પ્રવચન જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી. વાળાએ કર્યું હતું. સ્પર્ધા દરમિયાન મેડીકલ કોલેજના તબીબો,જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો,રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. આ ઈનામ વિતરણ સમારોહના કાર્યક્રમનુ સફળ સંચાલન ગાયત્રીબેન શર્મા અને નિરાલીબેન સોનીએ કર્યું હતુ.

અખિલ ભારતીય ગિરનાર સ્પર્ધામાં સિનિયર ભાઈઓ બહેનો અને જુનિયર ભાઈઓ બહેનોની કુલ -4 કેટેગરીમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રાજ્ય સરકાર દ્વારા રૂ. 1 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ઉક્ત ચારેય કેટેગરીમાં ટોપ -10માં સ્થાન પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને કુલ રૂ.19 લાખના પુરસ્કાર વિતરીત કરવામાં આવ્યા હતા.
