Loading...

જામનગર એરફોર્સ સ્ટેશન પર દક્ષિણ કોરિયાના લડાકુ વિમાનોનું લેન્ડિંગ, 'બ્લેક ઈગલ્સ' ટીમનું ભવ્ય સ્વાગત કરાયુ

દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ 'બ્લેક ઈગલ્સ' એરોબેટિક ટીમના નવ (9) T-50B લડાકુ વિમાનો અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન જામનગર ખાતે ઉતર્યા છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Wed 04 Feb 2026 02:49 PM (IST)Updated: Wed 04 Feb 2026 02:49 PM (IST)
south-korean-fighter-jets-land-at-jamnagar-air-force-station-black-eagles-get-grand-welcome-685658

South Korean Fighter Jets in Jamnagar: જામનગર એરફોર્સ સ્ટેશન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સૈન્ય મૈત્રીનું સાક્ષી બન્યું છે. દક્ષિણ કોરિયાની વાયુસેનાના વિમાનોએ જામનગર રનવે પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. જામનગર એરફોર્સ દ્વારા કોરિયન વાયુસેનાના આ વિશેષ દળને લેન્ડિંગ તેમજ ટેકનિકલ સહાય માટેની તમામ મંજૂરીઓ આપવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, દક્ષિણ કોરિયાની સુપ્રસિદ્ધ 'બ્લેક ઈગલ્સ' એરોબેટિક ટીમના નવ (9) T-50B લડાકુ વિમાનો અને એક C-130 ટ્રાન્સપોર્ટ વિમાન જામનગર ખાતે ઉતર્યા છે. આ વિમાનોના આગમનને પગલે એરફોર્સ સ્ટેશન પર વિશેષ સુરક્ષા અને વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

વિદેશી વાયુસેનાના આ કાફલા માટે જામનગર એરપોર્ટ પર જ સીમા શુલ્ક (Customs) અને ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ કોરિયન ટીમને તમામ જરૂરી લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડ્યો છે.

વર્લ્ડ ડિફેન્સ શો 2026 માંથી પરત ફરી રહ્યું છે દળ

ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કોરિયાનું આ સૈન્ય દળ સાઉદી અરેબિયા ખાતે 31 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન યોજાયેલા 'વર્લ્ડ ડિફેન્સ શો 2026' માં ભાગ લેવા ગયું હતું. ત્યાંથી પરત ફરતી વખતે ટ્રાન્ઝિટ લેન્ડિંગ અને અલ્પ રોકાણ માટે તેઓએ જામનગરની પસંદગી કરી હતી. જામનગરમાં થોડો સમય રોકાયા બાદ આ દળ પોતાના ગંતવ્ય સ્થાને રવાના થશે.