Pradhan Mantri Awas Yojana - Urban 2.0: પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 અંતર્ગત જામનગર શહેરમાં પણ 1300 થી વધુ આવાસ ફાળવવામાં આવ્યા છે. આ યોજનાનો લાભ મેળવવા માંગતા આર્થિક રીતે નબળા વર્ગના (EWS) ઉમેદવારો પાસે અરજીઓ મંગાવાઈ રહી છે.
જોકે, લોકોને સવાલ થશે કે આવાસ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી, પાત્રતા શું છે અને શું લાભ મળશે. આ તમામ જાણકારી મેળવવા માટે આ ખાસ અહેવાલ...
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 (PMAY-U 2.0)
સૌપ્રથમ અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 વિશે જાણવું જરૂરી છે. આ યોજના ભારત સરકારના આવાસ અને શહેરી કાર્ય મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જેનો ઉદ્દેશ દેશભરના તમામ પાત્ર શહેરી પરિવારોને દરેક હવામાન માટે યોગ્ય પાકાં મકાનો પૂરા પાડવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 હેઠળ પાત્ર નાગરિકોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ચાર રીતે લાભ આપવામાં આવે છે. જે લાભાર્થી નેતૃત્વ હેઠળ બાંધકામ (BLC), ભાગીદારીમાં પોષણક્ષમ રહેઠાણ (AHP), પોષણક્ષમ ભાડાના મકાન (ARH) અને વ્યાજ સબસિડી યોજના (ISS) છે.
જામનગરમાં 1300થી વધુ આવાસ
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 હેઠળ જામનગર શહેરમાં પણ આવાસોની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 1300 થી વધુ લાભાર્થીઓ રૂ. 7 લાખ અને રૂ. 9 લાખ ચૂકવીને 'ઘરનું ઘર' મેળવી શકે છે.
- પ્રથમ સ્કીમ

EWS-1 પ્રકારના 800 આવાસ (કિંમત રૂપિયા 7 લાખ)
સરનામું: TP સ્કીમ નંબર 2, FP નંબર 74, હાપા માર્કેટિંગ યાર્ડ રોડ, જ્ઞાનગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે જામનગર.
- બીજી સ્કીમ

EWS-2 પ્રકારના 584 આવાસ (કિંમત રૂપિયા 9 લાખ)
સરનામું: TP સ્કીમ નંબર 3/બી, FP નંબર 46, જામનગર-રાજકોટ હાઇવે, ઇસ્કોન મંદિર સામે, જામનગર.
આવાસ યોજનાની વિશેષતાઓ
- ભૂકંપ પ્રતિરોધક બાંધકામ
- કેમ્પસના રસ્તાઓ RCC રોડ તથા પેવર બ્લોકસ
- પાવડર કોટેડ એલ્યુમિનિયમ ગ્લાસ વિન્ડોઝ
- સ્ટાન્ડર્ડ કંપનીની લીફટ સુવિધા
- વિશાળ કવર્ડ પાર્કિંગ
- આકર્ષક લેન્ડસ્કેપિંગ લાયબિલિટી પીરીયડ
- તમામ આંતરમાળખાકીય સુવિધાઓ
- પાણી, કેમ્પસ લાઈટ, ભૂગર્ભ ગટર વગેરે
અરજી કરવા માટેની પાત્રતાના માપદંડ
પાકા મકાનની માલિકી નહીં
શહેરી વિસ્તારમાં રહેતા આર્થિક રીતે નબળા વર્ગ (EWS), નિમ્ન આવક જૂથ (LIG) અથવા મધ્યમ આવક જૂથ (MIG) શ્રેણીના પરિવારો પાસે ભારતમાં ક્યાંય પણ તેમના નામે અથવા તેમના પરિવારના કોઈપણ સભ્યના નામે પાકું મકાન (એટલે કે, તમામ હવામાન માટે યોગ્ય રહેણાંક એકમ) ન હોવું જોઈએ.
પરિવારની વ્યાખ્યા
લાભાર્થી પરિવારની વ્યાખ્યામાં પતિ, પત્ની, અપરિણીત પુત્રો અને/અથવા અપરિણિત પુત્રીઓ સામેલ ગણાશે.
એક લાભાર્થીને ફક્ત એક જ વાર લાભ
એક લાભાર્થી PMAY-U 2.0 યોજનાના ફક્ત એક જ ઘટક હેઠળ લાભ મેળવવા માટે પાત્ર રહેશે.
અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ મેળવ્યો છે તો?
છેલ્લા 20 વર્ષમાં કેન્દ્ર સરકાર, રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકાર અથવા સ્થાનિક સ્વ-સરકાર દ્વારા શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં કોઈપણ આવાસ યોજના હેઠળ જેમણે મકાન મેળવ્યું હોય તેવા લાભાર્થીઓ PMAY-U 2.0 હેઠળ લાભ મેળવવા પાત્ર નથી.
આવક મર્યાદા
આર્થિક રીતે નબળા વર્ગ (EWS) : ₹3 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા પરિવારો. રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો, મંત્રાલયની સંમતિથી, સ્થાનિક પરિસ્થિતિ અનુસાર EWS માટે વાર્ષિક આવકના માપદંડને ફરીથી વ્યાખ્યાયિત કરી શકે છે.
આધાર/વર્ચ્યુઅલ આધાર ID
તમામ પાત્ર લાભાર્થીઓ (પરિવારના સભ્યો સહિત) પાસે તેમના લાભાર્થીની વિગતો સાથે લિંક કરેલ આધાર અથવા વર્ચ્યુઅલ આધાર ID હોવો ફરજિયાત છે.
નિવાસ કટ-ઓફ તારીખ
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો તેમના વિવેકબુદ્ધિ અનુસાર યોજનાના અમલીકરણ માટે કટ-ઓફ તારીખ નક્કી કરી શકે છે, અને લાભાર્થીઓ તે તારીખ સુધીમાં તે શહેરી વિસ્તારના રહેવાસી હોવા જોઈએ.
આવકની સ્વ-ઘોષણા
અરજદારે આવકના માપદંડ અને ભારતમાં ક્યાંય પણ પાકું મકાન ન હોવા અંગે સ્વ-ઘોષણા/વચન પત્ર રજૂ કરવું પડશે.
જરૂરી દસ્તાવેજો
PMAY-U 2.0 યોજના હેઠળ અરજી કરતા પહેલા અરજદારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો હાથવગા રાખવા જરૂરી છે.
અરજદારનું આધાર કાર્ડ
અરજદારની આધાર વિગતોમાં આધાર નંબર, આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ જરૂરી છે.
પરિવારના સભ્યોનું આધાર કાર્ડ
પરિવારના સભ્યોની આધાર વિગતોમાં આધાર નંબર, આધાર કાર્ડ મુજબ નામ અને જન્મ તારીખ જરૂરી છે.
અરજદારના બેંક ખાતાની વિગતો
અરજદારનો બેંક ખાતા નંબર, બેંકનું નામ, શાખા અને IFSC કોડ જરૂરી છે. આપનું બેંકનું ખાતું આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે.
આવકનો પુરાવો
તમારી આવકના પુરાવા તરીકે ઉપલબ્ધ દસ્તાવેજની માત્ર PDF ફાઈલ રાખવી, જેની સાઈઝ મહત્તમ 100 kb સુધી હોય.
PMAY-U 2.0 યોજનામાં ફોર્મ કેવી રીતે ભરશો?
આ યોજનાનો લાભ લેવા માટે તારીખ 12 જાન્યુઆરી, 2026 થી 31 માર્ચ, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. અરજદાર આ યોજનાનો લાભ લેવા માટે બે રીતે અરજી કરી શકે છે.
- PMAY-U 2.0 સત્તાવાર વેબસાઈટ
અરજદાર PMAY-U 2.0 યોજનાની સત્તાવાર વેબસાઈટ https://pmaymis.gov.in/PMAYMIS2_2024/PMAY_SURVEY/EligiblityCheck.aspx પરથી અરજી કરી શકે છે.
- જામનગર મહાનગરપાલિકા- સ્લમ શાખા
અરજદાર જામનગર મહાનગરપાલિકાની સ્લમ શાખા, ચોથો માળ ખાતેથી યોજનાની વિસ્તૃત માહિતી મેળવી અને ઓનલાઈન અરજી કરી શકે છે.

ફરજિયાત લોક-ઈન પિરિયડ
મકાનનો કબજો મળ્યાની તારીખથી (AHP) પાંચ વર્ષનો ફરજિયાત લોક-ઈન પિરિયડ રહેશે. આ સમયગાળા દરમિયાન લાભાર્થીને મકાન વેચવાની કે હસ્તાંતરિત કરવાની મંજૂરી રહેશે નહીં.
મહિલાઓ માટે મકાનની માલિકી
કેન્દ્રીય સહાય હેઠળ બાંધવામાં આવેલા, હસ્તગત કરેલ અથવા ખરીદેલા મકાન પરિવારના મહિલા વડાના નામે અથવા પુરુષ વડા અને તેની પત્નીના સંયુક્ત નામે રહેશે. જો પરિવારમાં કોઈ પુખ્ત મહિલા સભ્ય ન હોય, તો મકાન પુરુષ સભ્યના નામે હોઈ શકે છે.
વિધવા, અપરિણીત, છૂટાછેડા લીધેલ અથવા ટ્રાન્સજેન્ડર અરજદારોના કિસ્સામાં મકાન તેમના નામે બનાવવામાં આવશે. જો નક્કી કરેલ સમયગાળા દરમિયાન મકાન હસ્તગત કરવામાં આવે અથવા ખરીદવામાં આવે, તો પછીના તબક્કે રજિસ્ટર્ડ ટાઇટલ ડીડ/સેલ ડીડમાં પરિવારના મહિલા સભ્યનું નામ સામેલ કરવાની પણ મંજૂરી આપવામાં આવશે.
વધુમાં રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોએ આવા કિસ્સાઓમાં વધારાની સ્ટેમ્પ ડ્યુટી અને/અથવા નોંધણી ફીમાંથી મુક્તિ આપવી પડશે.
પ્રાથમિકતાવાળા લાભાર્થી જૂથ
આ યોજના હેઠળ વિધવા, એકલ મહિલાઓ, દિવ્યાંગ વ્યક્તિઓ, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, લઘુમતીઓ અને સમાજના અન્ય નબળા અને વંચિત વર્ગોના વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવી છે.
સફાઈ કામદારો, PM સ્વનિધિ યોજના હેઠળ ઓળખાયેલા શેરી વિક્રેતા, PM વિશ્વકર્મા યોજના હેઠળના વિવિધ કારીગરો, આંગણવાડી કાર્યકરો, મકાન અને અન્ય બાંધકામ કામદારો, ઝૂંપડપટ્ટી/ચાલીના રહેવાસીઓ અને યોજનાના સંચાલન દરમિયાન ઓળખાયેલા અન્ય જૂથ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
(આ માહિતી પ્રધાનમંત્રી આવાસ યોજના - શહેરી 2.0 (PMAY-U 2.0) વેબસાઈટ પરથી લેવામાં આવી છે, વધુ વિગતો માટે સત્તાવાર જાહેરાત તપાસવી હિતાવહ છે.)
