Jamnagar Rain: ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક હવામાનમાં મોટો પલટો આવ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં વાવાઝોડા જેવો માહોલ સર્જાતા જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદમાં ધૂળની ડમરીઓ અને અંધારપટ છવાયો છે, જ્યારે રાજકોટમાં કરા સાથે તોફાની વરસાદ પડ્યો છે. બીજી તરફ, જામનગરમાં વીજ પોલ ધરાશાયી થવાની ગંભીર ઘટના બની છે.
હાલાર પંથકમાં આજે વાતાવરણમાં એકાએક આવેલા પલટાએ સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. જામનગરના સમાણા વિસ્તારમાં ભારે પવનને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા એક વિશાળ વીજ પોલ (થાંભલો) અચાનક તૂટી પડ્યો હતો.
ઘટનાની વિગતો
વીજ પોલ ધરાશાયી થતાની સાથે જ હાઈ-વોલ્ટેજ લાઈનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના રહીશો ફફડાટને કારણે ઘરની બહાર દોડી આવ્યા હતા. પોલ પડવાને લીધે સમગ્ર સમાણા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અચાનક વીજળી ગુલ થતા વેપારીઓ અને રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સદનસીબે જ્યારે થાંભલો પડ્યો ત્યારે આસપાસ કોઈ વ્યક્તિ કે વાહન ન હોવાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ ટળી છે.
તંત્રની કામગીરી
બનાવની જાણ થતા જ PGVCL (પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ)ની ટેકનિકલ ટીમ અને અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ યુદ્ધના ધોરણે નવો પોલ નાખવાની અને વીજ લાઈન રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે. તંત્ર દ્વારા શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે.
અમદાવાદમાં પણ વાતાવરણ બદલાયું
અમદાવાદમાં પણ વાતાવરણ એકદમ બદલાઈ ગયું છે. તેજ ગતિએ ફૂંકાયેલા પવનને કારણે રસ્તાઓ પર ધૂળની ડમરીઓ ઉડી હતી.મોડી સાંજે વરસાદી છાંટા શરૂ થતા લોકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે, જોકે પવનને કારણે કેટલાક વિસ્તારોમાં હોર્ડિંગ્સ અને ઝાડ પડવાની ભીતિ સેવાઈ રહી છે.
રાજકોટમાં પણ વરસાદ, ભારે પવન સાથે કરા પડ્યા
રાજકોટમાંબે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. રાજકોટ શહેરમાં આજે સાંજે કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સાંજે 5 વાગ્યાના અરસામાં અચાનક આકાશ કાળા વાદળોથી ઘેરાઈ ગયું હતું અને ભારે પવન સાથે કરા પડ્યા હતા. અંધારપટ એટલો તીવ્ર હતો કે વાહનચાલકોએ બપોરના સમયે હેડલાઈટ ચાલુ કરવાની ફરજ પડી હતી.
માત્ર બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો નદીમાં ફેરવાઈ ગયા હતા, જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.
હજુ બે દિવસ રહેશે ચિંતા
હવામાન વિભાગની આગાહી મુજબ, પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે આગામી 48 કલાક સુધી રાજ્યમાં કમોસમી વરસાદી માહોલ જારી રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
