Loading...

આનંદો! ગેસ સંકટ વચ્ચે 'નંદા દેવી' જહાજ જામનગર પહોંચ્યું, 32 લાખ ગેસના સિલિન્ડર ભરાય તેટલો LPG જથ્થો

આ ગેસનો જથ્થો મથુરા પાઈપલાઈન મારફતે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડાશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 17 Mar 2026 10:20 AM (IST)Updated: Tue 17 Mar 2026 10:20 AM (IST)
nanda-devi-lpg-ship-arrives-in-jamnagar-vadinar-port-amid-gujarat-gas-crisis-709698
HIGHLIGHTS
  • ગુજરાતમાં ગેસ સંકટ વચ્ચે મોટા સમાચાર
  • 'નંદા દેવી' LPG જહાજ જામનગર પહોંચ્યું 
  • 46,000 ટન LPG જથ્થો સુરક્ષિત મળ્યો

Jamnagar Nanda Devi LPG tanker: ગુજરાત સહિત દેશભરમાં વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે એક ખૂબ જ રાહતના સમાચાર સામે આવ્યા છે. આશરે 46,000 મેટ્રિક ટન LPG નો વિશાળ જથ્થો લઈને 'નંદા દેવી' નામનું ટેન્કર જામનગરના વાડીનાર પોર્ટ નજીક સુરક્ષિત રીતે પહોંચી ગયું છે.

46 હજાર મેટ્રિક ટન LPG લઈ આવ્યું 'નંદા દેવી'

જામનગરના વાડીનાર પોર્ટ પર લાંગરેલા આ 'નંદા દેવી' જહાજની વિશેષતા એ છે કે તેમાં રહેલો 46,000 મેટ્રિક ટન LPG નો જથ્થો લગભગ 32.4 લાખ રાંધણ ગેસના સિલિન્ડર ભરવા માટે પૂરતો છે. વાડીનાર પોર્ટ પરથી આ ગેસનો જથ્થો મથુરા પાઈપલાઈન મારફતે અન્ય રાજ્યોમાં પણ પહોંચાડવામાં આવશે.

દક્ષિણ ભારત અને તામિલનાડુને પણ થશે ફાયદો 

આ જથ્થાથી માત્ર ગુજરાતને જ નહીં, પરંતુ દક્ષિણ ભારતના રાજ્યોને પણ મોટો ફાયદો થશે. મુખ્ય જહાજ પરથી LPG નો કેટલોક જથ્થો બે નાના જહાજો- MTBW બ્રિઝ અને MD જગ પ્રતાપમાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ નાના જહાજો મારફતે ગેસનો આ જથ્થો તામિલનાડુ પોર્ટ સુધી પહોંચાડવામાં આવશે.

ગેસ સપ્લાય ચેઈન મજબૂત થશે, અછતનો ખતરો ટળશે

આ જંગી જથ્થો ભારતીય સપ્લાય ચેઈનને મજબૂત કરવા માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે, જેનાથી માત્ર ઘરેલુ ગ્રાહકોને જ નહીં પરંતુ ઉદ્યોગોને પણ મોટી રાહત મળશે. નંદા દેવી જહાજ સાથે જોડાયેલા અન્ય જહાજો પણ જ્યારે ભારત પહોંચશે, ત્યારે દેશમાં ગેસની સપ્લાય ચેઈન વધુ મજબૂત બનશે અને બજારમાં સર્જાયેલો અછતનો ખતરો ટળી જશે.

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય નૌસેનાનું સફળ ઓપરેશન

આ ગેસ ઑપરેશનની સૌથી નોંધપાત્ર બાબત તેની અભેદ્ય સુરક્ષા વ્યવસ્થા હતી. જ્યારે આ જહાજ હોર્મુઝની ખાડીમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પણ ભારતીય નૌસેનાએ સતત તેના પર દેખરેખ રાખી હતી. હોર્મુઝની ખાડીનો માર્ગ અત્યંત સંવેદનશીલ હોવાથી તેમાં ખૂબ જ ચોક્સાઈની જરૂર હતી. કોઈપણ પ્રકારનો ખતરો ન રહે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.

ભારતીય નૌસેનાની ટીમે આધુનિક એર ડિફેન્સ સિસ્ટમની સુરક્ષા હેઠળ જહાજને એસ્કોર્ટ કરી ભારતીય જળસીમામાં સલામત રીતે પ્રવેશ કરાવ્યો હતો. જ્યાં સુધી જહાજ વાડીનાર પોર્ટ પર સુરક્ષિત રીતે પહોંચી ન ગયું, ત્યાં સુધી નૌસેનાએ સતત મોનિટરિંગ ચાલુ રાખ્યું હતું. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, આ ઓપરેશનમાં ખૂબ જ સંવેદનશીલ અને ચોકસાઈની જરૂર હતી.