Loading...

જામનગરમાં ઝૂંપડપટ્ટીનું મેગા ડિમોલિશન; રેલવેની જમીન પર થયેલા દબાણ દૂર થશે, શહેર તેમજ રેલવે પોલીસનો કાફલો ખડકાયો

જામનગર શહેરમાં દિગ્જામ ઓવરબ્રિજ નીચે રેલવે વિભાગની જમીન પર થયેલા 150 થી વધુ ગેરકાયદે ઝૂંપડા દૂર કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Fri 06 Feb 2026 12:06 PM (IST)Updated: Fri 06 Feb 2026 12:06 PM (IST)
jamnagar-railway-land-150-illegal-huts-illegal-construction-slum-demolition-686773
HIGHLIGHTS
  • જામનગરમાં ઝૂંપડપટ્ટીનું મેગા ડિમોલિશન બે દિવસ ચાલશે 
  • રેલવે વિભાગની જમીન પરના ગેરકાયદેસર બાંધકામ દૂર થશે
  • જામનગર શહેર તેમજ રેલવે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

Jamnagar Demolition: જામનગર શહેરમાં રેલવે વિભાગની જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ સામે આજે ફરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં ઝૂંપડપટ્ટી અને બાવરીવાસ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે.

રેલવે વિભાગની જમીન પર ગેરકાયદેસર દબાણ  

જામનગર શહેરમાં દિગ્જામ ઓવરબ્રિજ નીચે આવેલ રેલવે લાઈનની બંને તરફ 150 થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ ખડકી દેવામાં આવ્યા છે. વર્ષોથી આ ઝુપડપટ્ટી પોલીસ માટે દર્દ સમાન બની છે. ત્યાં અનેક વખત દેશી દારૂની પ્રવૃત્તિ અંગે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે, તેમ છતાં દેશી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે.

જામનગર પોલીસ અને રેલવે પોલીસ દ્વારા મેગા ડિમોલેશન

આજે વહેલી સવારથી જામનગર પોલીસ અને રેલવે પોલીસ તંત્ર દ્વારા મેગા ડિમોલેશન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લાલપુરના ASP પ્રતિભા, જામનગર શહેર વિભાગના DySP જે. એન. ઝાલા વગેરે ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ 300 થી વધુ પોલીસ કર્મચારીની ફોજ ઉતારી દેવામાં આવી હતી. અનેક ઝૂંપડાઓ પર વહેલી સવારથી પીળો પંજો ફરી વળ્યો હતો.

150 થી વધુ ઝૂંપડા તોડી પાડ્યા

રેલવે લાઈનની બંને તરફ આશરે 150 થી વધુ નાના મોટા અનેક ઝૂંપડાઓ આવેલા છે, જ્યારે કેટલીક કેબીનો સહીતના દબાણો પણ આ સ્થળે ખડકી દેવાયા છે. જેને દૂર કરવા માટે એકી સાથે અડધો ડઝનથી વધુ JCB મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને મેગા ડિમોલિશન કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

ડિમોલિશન બે દિવસ ચાલે તેવી શક્યતા

પોલીસ ટીમો દ્વારા ટસના મસ થયા વિના મક્કમપણે તમામ ઝુપડાઓ દૂર કરવા માટેની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે. લગભગ બે દિવસ સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારના ઝૂંપડા દૂર કરીને રેલવે ટ્રેક આસપાસનો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવશે. આ કાર્યમાં જામનગર શહેર પોલીસ ઉપરાંત રેલવે પોલીસ સ્ટાફ પણ જોડાયો છે.