Jamnagar: શહેરના ડિફેન્સ કોલોની વિસ્તારમાં છેલ્લા 3દિવસથી લાપત્તા બનેલી 3 સંતાનોની વિધવા માતાનો બંધ મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે.
આ મામલે મૃતકના મોટા પુત્રએ પોતાના જ મિત્ર સામે હત્યાની શંકા વ્યક્ત કરી ગંભીર આક્ષેપો લગાવ્યા છે. પોલીસે પ્રાથમિક તપાસમાં મહિલાને ગળેટૂંપો આપીને પતાવી દેવાઈ હોવાની આશંકા સાથે તપાસ શરૂ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના મથુરાની વતની રિન્કીદેવી જામનગરની ડિફેન્સ કોલોનીમાં પોતાના રોહિત (19), નીતિન (17) અને અંજલી (6) નામના ત્રણ સંતાનો સાથે રહેતી હતી. આજથી બે દિવસ પૂર્વે રિન્કીદેવી અચાનક ગુમ થઈ ગઈ હતી. ભારે શોધખોળ છતાં રિન્કીદેવીની કોઈ ભાળ ના મળતા આખરે મોટા પુત્ર રોહિતે પોલીસમાં ગુમ થવા અંગે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા રિન્કીદેવીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન આજે બપોરના સમયે રિન્કીદેવીનો મૃતદેહ તેના જ ઘરની પાછળ રહેતા રોહિતના મિત્રના કાકાના બંધ મકાનમાંથી મળી આવ્યો હતો. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક રિન્કીદેવીના પતિનું 2021માં અવસાન થયા બાદ તેઓ 3 સંતાનો સાથે ડિફેન્સ કોલોનીમાં રહેતા હતા અને દવાની ફેક્ટરીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
રિન્કીદેવીના પુત્ર રોહિતનો મિત્ર વિજય અવારનવાર ઘરે આવતો-જતો હોવાથી તેની સાથે મૃતકના અનૈતિક સબંધો બંધાયા હતા. છેલ્લા કેટલાક સમયથી રિન્કીદેવી પોલીસ કેસ કરવાની ધમકી આપીને પૈસા માંગતી હતી. આથી રિન્કીદેવીના બ્લેકમેઈલિંગથી છૂટકારો મેળવવા માટે જ વિજયે 23 માર્ચના રોજ રિન્કીદેવીને પોતાના કાકાના ઘરે મળવા બોલાવી ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
રિન્કીદેવીની હત્યા કર્યાં બાદ વિજયે મૃતદેહને ઘરમાં જ સંતાડીને રાખ્યો હતો. જે બાદ મૃતકના પુત્રની સાથે તેની માતાને શોધવામાં મદદ કરતો હોવાનું નાટક કરતો હતો, જેથી કોઈને તેના પર શંકા ના જાય. જો કે આજે સવારે ઘરમાંથી દુર્ગંધ આવતા પોલીસે તપાસ કરતાં કોથળામાંથી લાશ મળી આવી હતી. હાલ તો પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે વિજય વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
