Loading...

ગુજરાતમાં કમોસમી આફતઃ જામનગરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કચ્છમાં ધૂળની ડમરીઓથી વિઝિબિલિટી ડાઉન

જામનગરમાં વાવાઝોડાથી લોકોના ઘરના છાપરા અને હોર્ડિંગ્સ તૂટ્યા. ગ્રામ્ય પંથકમાં કરા સાથે ધોધમાર વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 19 Mar 2026 05:59 PM (IST)Updated: Thu 19 Mar 2026 05:59 PM (IST)
jamnagar-news-western-disturbance-hits-gujarat-heavy-winds-rain-lash-kutch-trees-and-hoardings-collapse-711448
HIGHLIGHTS
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં પલટો
  • 2 કલાકમાં જામનગર-કચ્છના 6 તાલુકામાં વરસાદ નોંધાયો

Jamnagar: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે ખાસ કરીને જામનગર અને કચ્છ જિલ્લામાં તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે.

કચ્છમાં તોફાની પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી

જો કચ્છ જિલ્લાની વાત કરીએ તો, આજે વહેલી સવારથી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલુ રહ્યું હતુ. જે બાદ બપોરે 2 વાગ્યાની આસપાસ તોફાની પવન ફૂંકાવાની સાથે તોફાની વરસાદનું ઝાપટું તૂટી પડ્યું હતુ.

કચ્છના કંડલા પોર્ટ તેમજ મુન્દ્રામાં સુસવાટા મારતો પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. જેના કારણે વિઝિબિલિટી ડાઉન થઈ જતાં પોર્ટની કામગીરી પર અસર થઈ હતી. આ ઉપરાંત મુન્દ્રા, ભુજ અને અબડાસા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો. જેમાં કચ્છ જિલ્લાના મુન્દ્રામાં 15 મિ.મી., ભૂજ તાલુકામાં 9 મિ.મી., નખત્રાણામાં 8 મિ.મી., અબડાસામાં 8 મિ.મી અને લખપતમાં 8 મિ.મી વરસાદ નોંધાયો છે.

જામનગરમાં જોરદાર પવન ફૂંકાતા અનેક વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી

આવી જ રીતે જામનગર જિલ્લામાં બપોરના સમયે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બપોરે 2 વાગ્યે જોરદાર પવન ફૂંકાતા જામનગર શહેરમાં ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી. ભારે પવનના કારણે અનેક ઠેકાણે લોકોના ઘરના છાપરા હવામાં ઉડવા લાગ્યા હતા, તો કેટલાક વિસ્તારમાં વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાશાયી થઈ ગયા હતા. વાવાઝોડાના કારણે જામનગરના અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હોવાના અહેવાલ છે.

જામનગર શહેર ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જેમાં કાલાવડ તાલુકાના બાલમભળી, મોટા ભાડુકિયા અને સનાળા જેવા ગામોમાં ધોધમાર વરસાદ સાથે કરડા પડ્યા છે. તેમજ અનેક ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં સૌથી વધુ 16 મિ.મી વરસાદ નોંધાયો છે.