Jamnagar: જામનગર તાલુકાના ધુતારપરમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પ્રેમલગ્ન કરનારા દંપતી વચ્ચે માથાકૂટ થતાં ઉશ્કેરાયેલા યુવકે પોતાની 8 માસની દીકરીને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી જિંદગી ટૂંકાવી દીધી છે.
મૂળ મધ્ય પ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ ધુતારપર ગામમાં ખેડૂતની વાડીએ આંટો દેવા આવેલા અલ્કેશ (21) નામના શ્રમિક યુવકે પોતાની 8 માસની દીકરી દેવિકાને તેડીને વાડીના કૂવામાં ઝંપલાવ્યું હતુ. જેથી પિતા-પુત્રી બન્નેના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા.
આ મામલે યુવકની પત્ની દુર્ગાદેવીએ જાણ કરતાં પંચકોશી એ.ડિવિઝન પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમણે પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને આગળની તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આજથી બે વર્ષ પૂર્વે દૂર્ગાદેવીએ અલ્કેશ સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. પતિ-પત્ની જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અલગ-અલગ વાડીમાં રહીને ખેત મજૂરી કરતા હતા.
પતિ હંમેશા પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. ગત હોળીના તહેવારો દરમિયાન પણ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં દુર્ગાદેવી દીકરી દેવિકાને લઈને ધુતારપર સ્થિત વાડીમાં રહેતી પોતાની માતાના ઘરે રહેવા આવતી રહી હતી.
ગઈકાલે સાંજના સમયે પતિ અલ્કેશ ધુતારપર પહોંચ્યો હતો. જ્યાં પતિ-પત્ની વચ્ચે ફરીથી ઉગ્ર ઝઘડો થયો હતો. જેથી આવેશમાં આવેલા અલ્કેશે પુત્રી દેવિકાને સાથે રાખીને કૂવામાં કૂદકો માર્યો હતો, જેમાં બન્ને જણા ડૂબીને મોતને ભેટ્યા હતા.
