Jamnagar Demolition Drive: જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સરકારી જમીનો પર કબજો જમાવનાર દબાણકારો સામે ફરી એકવાર લાલ આંખ કરવામાં આવી છે. જામનગર-રાજકોટ હાઇવે પર ઇસ્કોન મંદિર નજીક આવેલી અને શહેરી-ગરીબો માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કોમર્શિયલ બાંધકામોને તોડી પાડવાની ડિમોલિશન કામગીરી તંત્ર દ્વારા આજે સવારથી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, અગાઉ પણ મનપા દ્વારા આ વિસ્તારમાંથી કેટલાક દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તે સમયે અન્ય કેટલાક દબાણકર્તાઓએ તંત્ર સમક્ષ રજૂઆત કરીને જાતે જ પોતાનું દબાણ દૂર કરવા માટે સમય માંગ્યો હતો. લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા તેઓને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. જોકે, આ સમય મર્યાદા પૂર્ણ થવા છતાં દબાણો સ્વેચ્છાએ દૂર ન કરવામાં આવતા, આજે તંત્ર દ્વારા આખરે ડિમોલિશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે.

મનપાની આ કાર્યવાહી અંતર્ગત અંદાજે 1 લાખ 20 હજાર ચોરસ ફૂટ જેટલી વિશાળ જગ્યા પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે. આ જમીન ખાસ કરીને શહેરી-ગરીબોના આવાસ કે અન્ય સુવિધાઓ માટે ફાળવવામાં આવેલી સરકારી જમીન હતી, જેના પર ગેરકાયદેસર રીતે કોમર્શિયલ બાંધકામો કરી દેવામાં આવ્યા હતા, જેને આજે જમીનદોસ્ત કરવામાં આવી રહ્યા છે.
