Loading...

Jamnagar: જામનગરના પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા પર જીવલેણ હુમલો, 3 રાઉન્ડ ફાયરિંગ; પૂર્વ વિપક્ષી નેતા સહિત 9 સામે ગુનો દાખલ 

સિક્કા પોલીસ સ્ટેશનમાં જામનગર મનપાના પૂર્વ વિપક્ષી નેતા સામે ગુનો નોંધાયો છે.

By: Purvalak DabhiEdited By: Purvalak Dabhi Publish Date: Tue 24 Mar 2026 09:54 AM (IST)Updated: Tue 24 Mar 2026 09:54 AM (IST)
jamnagar-former-corporator-aslam-khilji-nephew-shahnawaz-firing-and-attack-714187
HIGHLIGHTS
  • જામનગરમાં રાજકીય અદાવતમાં ગેંગવોર
  • પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા પર ફાયરિંગ થયું
  • પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સામે FIR

Jamnagar Crime News: જામનગર શહેરમાં રાજકીય વેરના કારણે બે જૂથ વચ્ચે ગેંગવોર જેવો માહોલ સર્જાયો છે. જામનગર-ખંભાળિયા હાઈવે પર રાત્રિના સમયે વોર્ડ નંબર 12 ના પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ ખિલજીના ભત્રીજા શાહનવાઝની થાર કાર પર પૂર્વ વિપક્ષી નેતાના જૂથ દ્વારા ફિલ્મી સ્ટાઈલમાં પીછો કરીને હુમલો કરવામાં આવ્યો છે.

આરોપીઓએ ફિલ્મી સ્ટાઈલમાં કર્યો પીછો

આ બનાવ અંગે નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર, આ બનાવ રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યાના સુમારે વસઈ ગામ નજીક સ્વાન સ્વીટ ફેક્ટરીના ગેટ પાસે બન્યો હતો. પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ ખિલજીના ભત્રીજા શાહનવાઝ પોતાના મિત્રો સાથે મહિન્દ્રા થાર કારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ પોતાની થાર અને બલેનો કારમાં તેમનો પીછો કર્યો હતો.

કારને ટક્કર મારી ઘાતક હથિયારથી હુમલો 

આરોપીઓએ શાહનવાઝની કારને ટક્કર મારીને રોડ નીચે ઉતારી દીધી અને ત્યારબાદ રિવોલ્વર, પિસ્તોલ, તલવાર અને લોખંડના પાઇપ જેવા ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ શાહનવાઝને કારમાંથી બહાર કાઢીને ગંભીર માર માર્યો. સાથે જ "અન્ના અને મુખ્તારના કહેવા પર આવ્યા છીએ, આજે જાનથી મારી નાખવો છે" તેવી ધમકી પણ ઉચ્ચારી હતી.

જીવ બચાવવા ભાગતા 3 રાઉન્ડ ફાયરિંગ

જ્યારે શાહનવાઝ જીવ બચાવવા માટે ભાગ્યો, ત્યારે આરોપીઓએ રિવોલ્વર અને પિસ્તોલમાંથી બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ જીવલેણ હુમલામાં શાહનવાઝ ઉપરાંત રઉફ અને અસલમને પણ ઈજા પહોંચી છે. જામનગર ASP પ્રતિભાના જણાવ્યા અનુસાર, હાલમાં બે ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અગાઉની મારામારીની દાઝ અને હુમલો

આ હુમલા પાછળ અગાઉની મારામારીનો જૂનો ખાર જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ત્રણેક મહિના પહેલા પૂર્વ કોર્પોરેટર અસલમભાઈ ખિલજી પર હુમલો થયો હતો, જેમાં શાહનવાઝે પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી સહિત 9 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. આ જ ફરિયાદનો ખાર રાખીને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે રવિવારે આ હુમલો કરવામાં આવ્યો છે.

પૂર્વ વિપક્ષી નેતા સહિત 9 સામે ગુનો દાખલ 

આ સમગ્ર મામલે સિક્કા પોલીસ સ્ટેશનમાં જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ગફ્ફાર ખફી, અનવર ઉર્ફે અન્ના ગફ્ફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ, મહેબુબ ખફી, મોસીન પચાસિયો, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફી અને હમીદ જાનમામદ ઉર્ફે રાંઝો સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ PI પી.ટી. જયસ્વાલ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી અગાઉના હુમલા કેસમાં સપ્તાહ પૂર્વે જ જેલ હવાલે કરાયા છે, ત્યારે પોલીસ હવે આ નવા ગુનામાં તેમનો જેલમાંથી કબજો મેળવશે.