Loading...

Aravalli Range Dispute: 'અરવલ્લી ગિરીમાળાને કોઈ ખતરો નથી': પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિવાદ મુદ્દે આપી મોટી સ્પષ્ટતા

પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે અરવલ્લીનો વિવાદ ગુજરાત માટે ખતરારૂપ નથી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 24 Dec 2025 08:40 AM (IST)Updated: Wed 24 Dec 2025 05:18 PM (IST)
there-is-no-threat-to-the-aravalli-range-environment-minister-arjun-modhwadia-gives-a-major-clarification-on-the-controversy-660990

Aravalli Range Dispute: ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને ટકાઉ વિકાસ અંગે રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર રાજ્યના વન વિસ્તારો અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ ક્ષેત્રોને બચાવવા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં રાજ્ય સરકારે આજ સુધી ક્યારેય ખનનની મંજૂરી આપી નથી અને ભવિષ્યમાં પણ ખનનની પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવશે નહીં.

મંત્રી અર્જુન મોઢવાડિયાની સ્પષ્ટતા

મંત્રી અર્જુન મોઢવાડિયાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ગુજરાત સરકાર અરવલ્લી પહાડીઓની નવી વ્યાખ્યા અને સંરક્ષણના તમામ પાસાઓનો અમલ કરી રહી છે. જે મુજબ, સ્થાનિક ભૂતળથી 100 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા તમામ ભૂ-આકારોને 'પર્વત' તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે, જેથી કોઈ કાયદાકીય છટકબારી ન રહે. આ ઉપરાંત, 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા બે અથવા વધુ પર્વતોની વચ્ચેના 500 મીટર સુધીના તમામ વિસ્તારને પણ અરવલ્લી પર્વતમાળાનો જ ભાગ ગણવામાં આવશે.

મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના સંરક્ષિત વિસ્તારો, ઇકો-સેન્સિટિવ ઝોન્સ, રિઝર્વ એરિયા, વેટલેન્ડ્સ અને કેમ્પા (CAMPA) વાવેતર સાઇટ્સ જેવા 'કોર અને ઇનવાયલેટ' ઝોન્સમાં ખનન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજ્ય સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય વિકાસની સાથે પર્યાવરણનું જતન કરવાનો છે, જેથી ભાવિ પેઢીને સુરક્ષિત અને હરિયાળું ગુજરાત મળી શકે. અરવલ્લી પર્વતમાળા એ માત્ર પથ્થરોનો ઢગલો નથી, પરંતુ તે રણને આગળ વધતું અટકાવવા માટે કુદરતી અવરોધ તરીકે કામ કરે છે અને ભૂગર્ભ જળના રિચાર્જ માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

મંત્રીએ 'અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ'નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કુલ 3,25,511 હેક્ટર વન વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગ્રીન કવર વધારવા માટે વર્ષ 2025-26 દરમિયાન કુલ 4,426 હેક્ટર વિસ્તારમાં 86.84 લાખ સ્થાનિક પ્રજાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, 150 હેક્ટર વિસ્તારમાંથી ગાંડા બાવળ અને લેન્ટાના જેવી આક્રમક વનસ્પતિઓ દૂર કરવામાં આવી છે. આગામી વર્ષ 2026-27 દરમિયાન આ પ્રોજેક્ટ હેઠળ આશરે 4,890 હેક્ટર વિસ્તારમાં વૃક્ષારોપણ અને સંરક્ષણની કામગીરી કરવામાં આવશે, તેમ મંત્રીએ અંતમાં ઉમેર્યું હતું.