Kalol News: ઠપકો સાંભળીને બે દીકરા સાથે કેનાલમાં કૂદનાર માતાનું નિધન; પિયર પક્ષે મૃતકનું કર્યું અંગદાન

આ બનાવમાં માતા સાથે એક 6 વર્ષીય પુત્રનું પણ મોત થયું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 19 Jun 2026 07:42 AM (IST)Updated: Fri, 19 Jun 2026 07:42 AM (IST)
kalol-mother-suicide-with-two-son-into-canal-donates-organs-in-gandhinagar

Gandhinagar suicide case: ગાંધીનગરના કલોલ તાલુકામાં એક 24 વર્ષીય માતાએ પોતાના બે દીકરાઓ સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. જોકે, આ ગોઝારી ઘટનાનો અંત એક અત્યંત પ્રેરણાદાયી અને માનવતાવાદી નિર્ણય સાથે આવ્યો છે. સારવાર દરમિયાન પરિણીતાને બ્રેઇન ડેડ જાહેર કરતાં તેના પરિવારે અંગદાનનો નિર્ણય લઈને 7 દર્દીઓને નવજીવન બક્ષ્યું છે.

બિલકુલ નજીવી બાબતે સર્જાયો મોટો બનાવ

પ્રાપ્ત વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના અને હાલ ઓસ્ટ્રેલીયન પ્રીમીયમ સોલર કંપનીમાં નોકરી કરતા કિસ્મતભાઈ રાઠોડના લગ્ન 2014માં કાજલબેન સાથે થયા હતા. તેમને 6 વર્ષનો સાત્વિક અને 18 માસનો યક્ષિત નામના બે પુત્રો હતા.

11 જૂનના રોજ સવારે ઘરની બહાર ઊભું પોતું મૂકવા જેવી નજીવી બાબતે કિસ્મતભાઈના દાદી ડાહીબેને પૌત્રવધૂ કાજલબેનને ઠપકો આપ્યો હતો. આ સામાન્ય ઠપકાનું માઠું લાગી આવતા કાજલબેને ઉશ્કેરાઈને પતિને ફોન પર "હું બંને દીકરાઓ સાથે મરી જવા નીકળી છું" કહીને શેરીસા નર્મદા મુખ્ય કેનાલમાં છલાંગ લગાવી દીધી હતી.

મોટા દીકરાનું મોત, માતા સામે પોલીસ ફરિયાદ

સાંજે 7 વાગ્યે કોઈ અજાણ્યા વ્યક્તિએ કિસ્મતભાઈને જાણ કરી કે કાજલબેન કેનાલની પાળી પર મોબાઈલ મૂકીને બાળકો સાથે પાણીમાં કૂદી ગયા છે. સ્થાનિકોની મદદથી કાજલબેન અને 18 માસના યક્ષિતને જીવતા બહાર કાઢી ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પરંતુ, 6 વર્ષના સાત્વિકનો મૃતદેહ રામનગર કેનાલમાંથી મળી આવી હતી. આ ઘટના બાદ પતિ કિસ્મતભાઈએ જ સાંતેજ પોલીસ સ્ટેશનમાં પોતાના બંને દીકરાઓને જાનથી મારી નાખવાના ઈરાદે કેનાલમાં ફેંકવા બદલ પત્ની કાજલબેન વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન 

બીજી તરફ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા કાજલબેનની તબિયત લથડતાં તેઓ કોમામાં સરી પડ્યા અને 17 જૂનનેબુધવારે ડોક્ટરોએ તેમને બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા. આ સમયે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીતા પરીખ અને સ્ટાફની હાજરીમાં પરિવારના સભ્યોએ લેખિત મંજૂરી આપીને મહિલાના અંગોનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો. ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ પ્રથમ ઓર્ગન ડોનેશન (અંગદાન) છે.

ગ્રીન કોરિડોર મારફતે 7 દર્દીને મળ્યું જીવતદાન

કાજલબેનની બંને કિડની, લિવર અને સ્વાદુપિંડનું (પેન્ક્રિયાસ) દાન કરવામાં આવ્યું હતું. આ અંગોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીઓ સુધી ઝડપથી અને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે ગાંધીનગર અને અમદાવાદ પોલીસના ઉત્કૃષ્ટ સંકલનથી તાત્કાલિક 'ગ્રીન કોરિડોર' બનાવવામાં આવ્યો. પિયર પક્ષના આ નિર્ણયથી અન્ય 7 પરિવારોના ઘરમાં ખુશીનો દીવો પ્રગટ્યો અને દર્દીઓને નવજીવન મળ્યું છે.