Gandhinagar News: ગાંધીનગરમાં ઇન્ફોસિટી સર્કલ નજીક લક્ઝુરિયસ કારમાં બેસીને રમાતા IPL ક્રિકેટ મેચનો ઓનલાઈન સટ્ટાનો પર્દાફાશ થયો છે. ઓનલાઈન સટ્ટો રમી-રમાડતા વિજાપુરના બુકી ચિરેન જયંતીભાઈ પટેલને ઝડપી પાડ્યો છે. પોલીસે રોકડ રકમ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 5.30 લાખનો મુદ્દામાલ કબજે કરી સટ્ટા બેટિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, શનિવારની મોડી રાત્રે LCB પીઆઈ ડી.બી. વાળાની ટીમને પૂર્વ બાતમી મળી હતી કે, ઇન્ફોસિટી સર્કલ પાસે રોડ પર એક શખ્સ લક્ઝુરિયસ કારમાં બેસી મોટાપાયે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું સંચાલન કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો.
પોલીસ ટીમના દરોડા દરમિયાન બ્લુ કલરની મારૂતિ સુઝુકી ફ્રોનક્ષ ગાડીમાં બેઠેલો બુકી ચિરેન જયંતીભાઈ પટેલ (રહે. રાજેશ્વરી સોસાયટી, મણિપુરા રોડ, વિજાપુર) ઝડપાઈ ગયો હતો. તપાસ કરતા જાણવા મળ્યું કે તે ENGLISH777 નામની વેબસાઇટ પર ગુજરાત ટાઇટન્સ (GT) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચેની મેચ પર હારજીતનો જુગાર રમતો અને રમાડતો હતો. તેના આઇડી પરથી લાખોના વ્યવહારો થયા હોવાનું પણ ખૂલ્યું હતું.
ઘટનાસ્થળેથી પોલીસે ચિરેન પટેલ પાસેથી એક મોબાઈલ ફોન, રોકડા રૂ. 15,000 અને ઉપયોગમાં લેવાયેલી મારૂતિ સુઝુકી ફ્રોનક્ષ કાર સહિત કુલ રૂ. 5.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રિકેટ સટ્ટાના વર્તુળોમાં વિજાપુરના ચિરેન પટેલનું નામ જાણીતું હોવાનું અને તેના મોટા બુકીઓ સાથે સીધા સંપર્કો હોવાનું કહેવાય છે. તેના ઓનલાઈન સટ્ટા બેટિંગના આઇડી-પાસવર્ડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય તો સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને બિલ્ડરોના નામ પણ ખુલી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
