Gandhinagar News: ગુજરાત રાજ્યમાં 'કન્યા કેળવણી મહોત્સવ' અને 'શાળા પ્રવેશોત્સવ 2026'ની 23થી 25 જૂન દરમિયાન ઉજવણી થવાની છે. તેના ભાગરુપે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકનો મુખ્ય હેતું એ સુનિશ્ચિત કરવાનો હતો કે, શિક્ષણને કેવી રીતે વધુ સચોટ બનાવી શકાય, તેની અંતર્ગત 100 ટકાના નામાંકનનું લક્ષ્યાંક મેળવવા માટે પ્રવેશોત્સવ દરમિયાન જન્મ-મરણ રજીસ્ટરની સચોટ ચકાસણી કરવામાં આવશે.
જન્મ રજીસ્ટરને આધારે ડેટા વેરિફિકેશન
આ રજીસ્ટરના આધારે કેટલા બાળકોએ બાલવાટિકા કે ધો.1 માં પ્રવેશ મેળવેલો છે અને કેટલા પ્રવેશલાયક હતા. તે અંગેની ચકાસણી કરવામાં આવશે. ઉપરાંત જન્મ રજીસ્ટર મુજબ, જે બાળકોએ પ્રવેશ નથી મેળવેલો તે અંગેની તેના કારણોની નોંધ કરવાની રહેશે. જેથી રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, 100 ટકા નામાંકનના લક્ષ્યાંકને મેળવવા માટે આ ડેટા વેરિફિકેશન અગત્યનું હથિયાર સાબિત થશે.
બેઠકમાં ડ્રોપ-આઉટ રેટ ઘટાડવાનો નિર્ધાર
સીએમ ભૂપેન્દ્ર પટેલે બાલવાટિકાથી ધોરણ-12 સુધીના તમામ બાળકોની વિગતોને આધારે મેપિંગ કરીને ડ્રોપ-આઉટ રેટને શૂન્ય પર લાવવાનો મજબૂત નિર્ધાર કર્યો છે. આ મહત્વની બેઠકમાં એજ્યુકેશન લેવલે પાયાના પરિવર્તનો મેળવવા માટે મહત્વના NEP-2020 આધારિત 'સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક (SCF)' અને શાળાઓના વૈજ્ઞાનિક મૂલ્યાંકન માટે 'સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક (SQAAF)'નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
શૈક્ષણિક ઝુંબેશ 24માં વર્ષમાં પ્રવેશી
બેઠકમાં પ્રાઈમરી એજ્યુકેશનને સુદ્દઢ કરવાના હેતુથી ત્રણ વર્ષીય 'નિપુણ ગુજરાત કાર્યક્રમ'નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે, પીએ મોદી અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરુ કરાવેલી આ શૈક્ષણિક ઝુંબેશ હવે સફળતાપૂર્વક 24માં વર્ષે પ્રવેશી છે આ પ્રસંગે શિક્ષણમંત્રી ડો. પ્રફુલ્લ વાજાએ જણાવ્યું કે, 'સ્વચ્છ અને હરિત વિદ્યાલય રેટિંગ'માં ગુજરાત દેશમાં પહેલા ક્રમાંકે છે.
સાડા છ લાખથી વધુ બાળકોને શિક્ષણમાં જોડ્યા
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા મુજબ, શૈક્ષણિક ચાલુ સત્રમાં સાડા છ લાખથી વધુ બાળકોએ શાળા છોડી હતી. તેમને પાછા શિક્ષણનાં મુખ્ય પ્રવાહમાં જોડવામાં આવ્યા છે. તેમણે અધિકારીઓને પ્રવેશોત્સવને સરકારી કામકાજ નહી, પરંતુ તન અને મનથી જોડાઈને બાળકોના ભવિષ્યના ઘડતર કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, બાળકો દરરોજ શાળાએ આવીને સ્વચ્છતા જાળવે, સવારની પોતાની આદતો સુધારે તે દિશામાં શિક્ષકોએ પણ વાલીઓની સાથે રાખીને સામાજિક અભિગમ સુધારવો પડશે.
