Gandhinagar: ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોને શ્રેષ્ઠ અને સસ્તી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે સતત કાર્યશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા રાજ્યના આરોગ્ય ક્ષેત્રને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા માટે 14 નવા અત્યાધુનિક 1.5 ટેસ્લા M.R.I. મશીનોની ખરીદી કરવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ લેવાયેલા આ નિર્ણયથી રાજ્યની સરકારી હોસ્પિટલોમાં નિદાનની પ્રક્રિયા વધુ ઝડપી અને સચોટ બનશે.
આ મામલે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકીને જાણકારી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા અંદાજિત રૂ.178.54 કરોડના ખર્ચે 14 અદ્યતન 1.5 ટેસ્લા મશીનની ખરીદી કરવામાં આવી છે. આ મશીનોથી દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને ઝડપી રિપોર્ટ મળી શકશે.
ગુજરાત સરકાર સંચાલિત GMERS અને વિવિધ સિવિલ હોસ્પિટલો ખાતે આ મશીનો ટૂંક સમયમાં ધારપુર, વડનગર, વલસાડ, જૂનાગઢ, નવસારી, રાજપીપળા, ગોધરા, પોરબંદર, મોરબી, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને વિસનગર ખાતે ઉપલબ્ધ થશે.
રાજ્યના નાગરિકોને સરળતાથી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સરકાર સંકલ્પબદ્ધ છે. આ માટે અદ્યતન આરોગ્ય સેવાઓનું માળખું આપણે સતત વધારી રહ્યા છીએ.
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 5, 2026
આ દિશામાં આગળ વધતા રાજ્ય સરકારે રૂ. 178 કરોડથી વધુના ખર્ચે 14 જેટલા અદ્યતન MRI મશીનની ખરીદી કરી છે, જે રાજ્ય સરકાર સંચાલિત… pic.twitter.com/fQSy91m87R
અત્યાર સુધી ખાનગી લેબોરેટરીમાં મોંઘા ભાવે કરાવવા પડતા MRI ટેસ્ટ હવે સરકારી હોસ્પિટલોમાં અત્યંત રાહત દરે અથવા મફત ઉપલબ્ધ થશે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પરનો આર્થિક બોજ ઘટશે અને ગંભીર બીમારીઓનું વહેલું નિદાન શક્ય બનશે.
