Gujarat Farmer Registration: ઉનાળુ મગના ટેકાના ભાવે વેચાણ માટે કાલથી ઑનલાઈન નોંધણી, જાણો ક્યા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે

27 મે થી આગામી 10 જૂન એટલે કે 15 દિવસ સુધી ફિંગરપ્રિન્ટ કે ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ગ્રામ્ય સ્તરે જ વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવી શકાશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 26 May 2026 08:09 PM (IST)Updated: Tue, 26 May 2026 08:09 PM (IST)
gujarat-farmer-online-registration-for-sale-of-summer-beans-at-msp-starts-know-what-documents-required
AI Image

Gujarat Farmer Registration : ગુજરાતમાં ઉનાળુ મગનું વાવેતર કરતા ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વની જાહેરાત કરી છે. વર્ષ 2025-26ના ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આવતીકાલ તા. 27 મે, 2026થી ખેડૂતોની ઓનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતો આગામી તા. 10 જૂન એટલે કે, 15 દિવસ સુધી ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી રજીસ્ટ્રેશન કરાવી શકશે. 

ઉનાળુ મગનું ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છતા રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ આવેલા ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે જઈને VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે. આ નોંધણી માટે ખેડૂતોનું બાયોમેટ્રીક ઓથેન્ટીકેશન અથવા ફેસ ઓથેન્ટીકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે ખેડૂતો માટે 'ફાર્મર રજીસ્ટ્રેશન' કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ફાર્મર રજીસ્ટ્રેશન હેઠળ જે સર્વે નંબરનો વિસ્તાર આવરી લેવાયો હશે, તેને જ ખરીદીની નોંધણી માટે ધ્યાને લેવામાં આવશે. આથી ખેડૂતોએ પોતાના તમામ સર્વે નંબરનો સમાવેશ ફાર્મર રજીસ્ટ્રેશનમાં કરાવી લેવા માટે ખેતી નિયામકની કચેરીએ અનુરોધ કર્યો છે.

ખેડૂત મિત્રો પોતાની સુવિધા અનુસાર બે પદ્ધતિથી ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે:

ખેડૂતો જાતે જ ઓનલાઇન પોર્ટલ gjfr.agristack.gov.in પર જઈને અથવા ગુગલ પ્લે સ્ટોર પરથી ‘ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરીને નોંધણી કરી શકે છે.

આ ઉપરાંત ખેડૂતો ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે રૂબરૂ જઈને પણ ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

રજીસ્ટ્રેશન કરાવતી વખતે ખેડૂતોએ પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિન્ક થયેલો ચાલુ મોબાઈલ નંબર અને જમીનની વિગતો દર્શાવતો સર્વે નંબર પોતાની સાથે રાખવાનો રહેશે.

રાજ્યના તમામ ઉનાળુ મગ પકવતા ખેડૂતોને સમયસર અને સત્વરે નોંધણી કરાવીને આ કલ્યાણકારી યોજનાનો મહત્તમ લાભ લેવા માટે ખેતી નિયામકની કચેરીએ અપીલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકારે વર્ષ 2025-26ના ઉનાળુ મગ પાક માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 8,768નો ટેકાનો ભાવ જાહેર કર્યો હતો. હાલમાં રાજ્યમાં મગના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા હોવાથી, ભારત સરકારના 'પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન’ અંતર્ગત ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઉનાળુ મગની ખરીદી કરવાનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે.