ગુજરાતમાં ડ્રગ્સ માફિયાઓનું નેટવર્ક તોડવા માસ્ટરપ્લાન; હવે સ્થાનિક પોલીસ પણ NDPSના કેસો નોંધશે, DGPનો કડક આદેશ

ગુજરાતમાં ડ્રગ્સના દૂષણને ડામવા DGP જી. એસ. મલિકે મોટો નિર્ણય લીધો છે. હવે SOG-ક્રાઇમ બ્રાન્ચ જ નહીં, સ્થાનિક પોલીસ પણ NDPSના કેસ નોંધશે. 

By: Jignesh TrivediPublish Date: Wed, 17 Jun 2026 10:53 PM (IST)Updated: Wed, 17 Jun 2026 10:53 PM (IST)
gujarat-anti-drug-campaign

ગુજરાતને નશામુક્ત બનાવવા અને ડ્રગ્સના કારોબારીઓ સામે કડક સકંજો કસવા માટે રાજ્ય સરકારે અને પોલીસ વિભાગે વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. રાજ્યમાં નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) અધિનિયમ હેઠળની કાર્યવાહીને વધુ સઘન બનાવવા અને ડ્રગ્સ વિરોધી માળખાને છેવાડાના વિસ્તાર સુધી મજબૂત કરવા માટે રાજ્ય પોલીસ વડા (DGP) દ્વારા એક મહત્વપૂર્ણ અને મોટો નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે.

DGPની ઉચ્ચસ્તરીય બેઠકમાં કડક સૂચના

ગાંધીનગરમાં યોજાયેલી એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં રાજ્ય પોલીસ વડા (DGP) જી.એસ. મલિકે તમામ પોલીસ એકમોને ડ્રગ્સના દૂષણ સામે 'પ્રો-એક્ટિવ' એટલે કે વધુ સક્રિય થઈને કામ કરવાના આદેશ આપ્યા છે. સરકારની નીતિને સ્પષ્ટ કરતાં તેમણે જણાવ્યું કે, જો કોઈ ગુનેગાર પાસેથી ઓછી માત્રામાં પણ નશીલા પદાર્થો મળી આવે, તો પણ તેમાં સહેજ પણ ઢીલાશ રાખ્યા વિના કડકમાં કડક કાનૂની પગલાં ભરવા પડશે. ડ્રગ્સ પેડલરો અને મોટા સ્મગલરો પર સતત વોચ રાખીને, ઇન્ટેલિજન્સ (ગુપ્તચર માહિતી) આધારિત ઓપરેશન્સ હાથ ધરી આ આખી સપ્લાય ચેઇનને નેસ્તનાબૂદ કરવા માટે ધોંસ બોલાવવામાં આવશે.

હવે માત્ર ક્રાઇમ બ્રાન્ચ કે SOG નહીં, સ્થાનિક પોલીસ પણ રહેશે જવાબદાર

અત્યાર સુધી સામાન્ય રીતે ડ્રગ્સ પકડવાની અને તેની તપાસ કરવાની મુખ્ય કામગીરી ક્રાઇમ બ્રાન્ચ અથવા સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) જેવી સ્પેશિયલાઈઝ્ડ એજન્સીઓ કરતી હતી. પરંતુ હવે આ વ્યુહરચનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા આદેશ અનુસાર, રાજ્યના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનોને પણ તેમના વિસ્તારમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ શોધવા, આરોપીઓને પકડવા અને NDPS હેઠળ ગુના નોંધવાની સત્તાવાર જવાબદારી સોંપવામાં આવી છે. ડ્રગ્સ વિરોધી આ ઝુંબેશને હવે સ્થાનિક સ્તરે 'ડે-ટુ-ડે' પોલીસિંગનો એક મુખ્ય હિસ્સો બનાવી દેવાયો છે.

બેદરકારી દાખવનાર અધિકારીઓ સામે થશે કાર્યવાહી

રાજ્ય સરકાર આ મામલે કેટલી ગંભીર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, બેઠકમાં એક અત્યંત કડક નિર્ણય લેવાયો છે. જો કોઈ સ્થાનિક પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્સનો કારોબાર ચાલતો હશે અને સ્થાનિક પોલીસના બદલે કોઈ બાહ્ય કે અન્ય એજન્સી આવીને ત્યાં NDPSનો ગુનો નોંધશે, તો તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે અને તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ નિયમથી સ્થાનિક પોલીસ અધિકારીઓએ હવે પોતાના વિસ્તારમાં વધુ સજાગ રહેવું પડશે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં 'ઝીરો-ટોલરન્સ' નીતિ

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ડ્રગ્સના વેપાર અને તેના વપરાશ સામે સ્પષ્ટપણે 'ઝીરો-ટોલરન્સ'ની નીતિ અપનાવી છે. યુવાધનને બરબાદ કરતા આ નશાના કારોબારને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. પોલીસને માત્ર ઉપરછલ્લી તપાસ કરવાના બદલે, પકડાયેલા વ્યસનીઓની પણ ઝીણવટભરી પૂછપરછ કરવા જણાવાયું છે. આ પૂછપરછના આધારે ડ્રગ્સ ક્યાંથી આવ્યું, કોણે સપ્લાય કર્યું અને તેનો મુખ્ય આકા કોણ છે, ત્યાં સુધી પહોંચીને આખા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવશે.

ગુજરાત પોલીસ કરશે કાઉન્સેલિંગ અને પુનર્વસન

આ અભિયાન માત્ર ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલવા પૂરતું મર્યાદિત નથી, પરંતુ નશાની ગર્તામાં ધકેલાઈ ગયેલા યુવાનોને બચાવવા માટેનો પણ છે. ગુજરાત પોલીસ કાયદાકીય કડકાઈની સાથે એક માનવીય અભિગમ પણ રાખશે. જે વ્યક્તિઓ નશાની લતનો ભોગ બની ચૂકી છે, તેમને આ દૂષણમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલિંગ અને પુનર્વસન (Rehabilitation) કેન્દ્રોની સુવિધા મેળવવામાં પોલીસ પૂરતો સહયોગ આપશે. આમ, આ મિશનમાં એન્ફોર્સમેન્ટ (અમલવારી) અને સુધારણા – બંને પાસાઓને સમાન મહત્વ આપવામાં આવ્યું છે.

શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું થશે સન્માન

પોલીસ જવાનોનો ઉત્સાહ વધારવા માટે DGP દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જે અધિકારીઓ કે કર્મચારીઓ ગુપ્ત માહિતી મેળવીને, સફળ રેડ પાડીને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડશે અથવા NDPS કેસોની ઉત્કૃષ્ટ તપાસ કરશે, તેમને વિભાગ તરફથી વિશેષ ઇનામો, રોકડ પુરસ્કાર અને પ્રશંસાપત્ર આપીને સન્માનિત કરવામાં આવશે.