ગાંધીનગરમાં 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન', વડાપ્રધાન મોદીના 12 વર્ષના સુશાસનનું ભવ્ય પ્રદર્શન; ખ્યાતનામ કલાકારોની પ્રસ્તુતિ

ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા સંસ્કૃતિ કુંજ ખાતે આ કાર્યક્રમો યોજાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 17 Jun 2026 02:25 PM (IST)Updated: Wed, 17 Jun 2026 02:25 PM (IST)
gandhinagar-sanskruti-kunj-viksit-bharat-sankalp-sammelan-pm-modi-12-years

Gandhinagar News: દેશમાં વડાપ્રધાન મોદીના રાષ્ટ્ર નિર્માણ, સુશાસન અને કુશળ વહીવટના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગરમાં ખાસ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 'વિકસિત ભારત સંકલ્પ સંમેલન' અંતર્ગત આગામી 19 જૂનથી 21 જૂન દરમિયાન ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે આવેલા 'સંસ્કૃતિ કુંજ' ખાતે ત્રિ-દિવસીય ભવ્ય પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

વડાપ્રધાનના 12 વર્ષના વહીવટની ગાથા

આ મહોત્સવ સાંજે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે, જેમાં રાષ્ટ્રના વિકાસની ઝાંખીની સાથે સાથે ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળશે. આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના 12 વર્ષના અવિરત વિકાસ અને કુશળ વહીવટ પર આધારિત વિશેષ પ્રદર્શન રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ 12 વર્ષની ઐતિહાસિક સિદ્ધિઓ અને રાષ્ટ્ર નિર્માણના મહત્વપૂર્ણ કાર્યોને ટેકનોલોજી અને વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા લોકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવશે.

ત્રિ-દિવસીય સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલક

આ ઉત્સવમાં કલા અને સાહિત્ય પ્રેમીઓ માટે રોજ અલગ-અલગ થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

  • 19 જૂન (પ્રથમ દિવસ): મહોત્સવના ઉદ્ઘાટન દિવસે ગુજરાતની લુપ્ત થતી પરંપરાગત 'માણભટ્ટ આખ્યાન' કલાની વિશેષ પ્રસ્તુતિ કરાશે. તેની સાથે 5 જેટલા પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવી ચૂકેલ સુપરહિટ નાટક 'ભણકારા' પણ ભજવાશે. આ પ્રસ્તુતિ પ્રખ્યાત માણભટ્ટ કલાકાર વ્યાસ બ્રધર્સ અને જાણીતા દિગ્દર્શક વિવેક પાઠક તથા તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવશે.
  • 20 જૂન (બીજો દિવસ): સંગીત પ્રેમીઓ માટે બીજા દિવસે વિશેષ સંગીતમય સાંજનું આયોજન છે. ગુજરાતના સંગીત જગતના દિગ્ગજ કલાકાર સંજય ઓઝા તથા પાર્થ ઓઝા પોતાની સુરીલી પ્રસ્તુતિથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે.
  • 21 જૂન (અંતિમ દિવસ): અંતિમ દિવસે આધ્યાત્મિકતા અને સાહિત્યનો અદભુત સુમેળ જોવા મળશે. જેમાં 'ભજન ક્લબિંગ અને કવિ સંમેલન' યોજાશે. આ કાર્યક્રમમાં લોકગાયક હાર્દિક દવે ભજનની જમાવટ કરશે, જ્યારે દેશના યુવા કવિઓ પોતાની કવિતા થકી દેશભક્તિ અને રાષ્ટ્રચેતનાનો રંગ જમાવશે.

આ પણ વાંચો: NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, કાયદો-વ્યવસ્થાની કમાન IPS અધિકારીને સોંપાઈ

વિકસિત ભારતના સંકલ્પનું સુદ્રઢ માધ્યમ 

આ આયોજન માત્ર એક ઉત્સવ પૂરતું સીમિત નથી, પરંતુ દેશના દરેક નાગરિકમાં રાષ્ટ્રભાવના જગાડવા અને 'વિકસિત ભારત'ના સંકલ્પને સુદ્રઢ બનાવવાનું સશક્ત માધ્યમ છે. રાજ્ય સરકારે ગાંધીનગર અને આસપાસના તમામ નાગરિકોને વિકાસના આ ગૌરવમય અધ્યાયના સાક્ષી બનવા અને સાંસ્કૃતિક વિરાસતને માણવા માટે આમંત્રણ પાઠવ્યું છે.