Rural Development Department Budget: ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું કુલ રૂ. 5,479 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, આજીવિકા અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગ્રામ વિકાસ વિભાગનું રૂ. 5,479 કરોડનું બજેટ
ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળીયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષના રૂપિયા 4,700 કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે રૂ. 779 કરોડનો માતબર વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ગ્રામ વિકાસ વિભાગનું કુલ રૂ. 5,479 કરોડનું ઐતિહાસિક બજેટ જાહેર કરવામાં આવ્યું છે.
PM આવાસ યોજના (ગ્રામીણ) મોટી જાહેરાત
આ બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ કુલ રૂ. 1755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રૂફ કાસ્ટ લેવલ પર આશરે 18 હજાર જેટલા લાભાર્થીઓને વધારાની રૂ. 50 હજારની સહાય આપવા માટે રૂ. 90 કરોડ ફાળવવામાં આવ્યા છે. આ ઉપરાંત, મકાન નિર્માણ માટે આદિજાતિ લાભાર્થીને રૂ. 2.72 લાખ અને બિન-આદિજાતિ લાભાર્થીને રૂ. 2.32 લાખની સહાય આપવામાં આવશે.
મનરેગામાં હવે 125 દિવસની રોજગારીની ગેરંટી
ગ્રામીણ વિસ્તારમાં રોજગારી વધારવા માટે VB-GRAM-G યોજના (મનરેગા) પાછળ રૂ. 1500 કરોડની જોગવાઈ કરી છે. આ બજેટની સૌથી મોટી વિશેષતા એ છે કે, મનરેગા હેઠળ અપાતી 100 દિવસની રોજગારીના બદલે હવે 125 દિવસની સશ્રમ સવેતન રોજગારીની ગેરંટી આપવામાં આવશે. જો નિયત સમયમાં રોજગાર ન મળે તો બેરોજગારી ભથ્થું ચૂકવવાની પણ મહત્વપૂર્ણ જોગવાઈ છે.
સ્વચ્છ ભારત મિશન અને કચરા વ્યવસ્થાપન
ગામડાઓને વધુ સ્વચ્છ બનાવવા 'સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)' માટે રૂ. 737.91 કરોડ ફાળવવામાં આવ્યા છે. ગામડાઓમાં ગંદા પાણીના શુદ્ધિકરણ માટે 'પ્રવાહી કચરા વ્યવસ્થાપન પ્રણાલી' અંતર્ગત રૂ. 50 કરોડની નવી જોગવાઈ કરવામાં આવી છે, જે અંતર્ગત રાજ્યના 400 ગામોમાં એન્ડ ડ્રેન ટ્રીટમેન્ટ (End Drain Treatment) કામગીરી હાથ ધરવામાં આવશે.
મહિલા સશક્તિકરણ પર ખાસ ધ્યાન
- લખપતિ દીદી સશક્તિકરણ યોજના: આ યોજના માટે રૂ. 48 કરોડની જોગવાઈ છે, જેમાં દર વર્ષે 10 હજાર અનુભવી 'લખપતિ દીદી' ને તેમના વ્યવસાયના વિસ્તરણ માટે સહાય અપાશે.
- ગ્રામ હાટ: સ્વ-સહાય જૂથની મહિલાઓને કાયમી વેચાણ પ્લેટફોર્મ પૂરું પાડવા રૂ. 20 કરોડના ખર્ચે મહાનગરપાલિકા, નગરપાલિકા અને પ્રવાસન સ્થળો પર 'ગ્રામ હાટ' બનાવવામાં આવશે.
- માર્કેટિંગ અને ઈ-કોમર્સ: સખી મંડળની પ્રોડક્ટ્સના ઓનલાઈન વેચાણ અને માર્કેટિંગ સપોર્ટ માટે રૂ. 25 કરોડ ફાળવાયા છે.
આ પત્રકાર પરિષદમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી સંજયસિંહ મહીડા, ગ્રામ વિકાસ સચિવ ધનંજય દ્વિવેદી, શ્રમ અને રોજગાર સચિવ લોચન સહેરા તથા રોજગાર નિયામક નીતિન સાંગવાન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
