Loading...

26.66 કરોડના ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં ઊંઝાથી બે આરોપીઓ ઝડપાયા, મોબાઇલમાંથી 12 બેન્ક એકાઉન્ટની વિગતો મળી

આશરે બે મહિના પહેલા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર, ખાતે નોંધાયેલા ગુના મુજબ, ફરિયાદીનો અજાણ્યા ઈસમોએ વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Tue 13 Jan 2026 05:52 PM (IST)Updated: Tue 13 Jan 2026 05:52 PM (IST)
gandhinagar-news-rs-26-crore-investment-fraud-two-accused-arrested-from-unjha-673626

Gandhinagar News: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ (CCoE), ગાંધીનગર, દ્વારા રૂ. 26.66 કરોડના મહાકાય ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ કેસમાં સંડોવાયેલા બે આરોપીઓને ઊંઝા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટના મહત્વના કડી સમાન હતા, જેઓ છેતરપિંડીથી મેળવેલી રકમને પોતાના બેંક ખાતાઓમાં જમા કરાવી આંગડિયા અને હવાલા મારફતે મુખ્ય ગુનેગારો સુધી પહોંચાડતા હતા. વર્તમાન સમયમાં વધી રહેલા સાયબર ક્રાઈમને અંકુશમાં લેવાના ભાગરૂપે આ મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આશરે બે મહિના પહેલા સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સ, ગાંધીનગર, ખાતે નોંધાયેલા ગુના મુજબ, ફરિયાદીનો અજાણ્યા ઈસમોએ વોટ્સએપ દ્વારા સંપર્ક કર્યો હતો. તેમને શેરબજારમાં રોકાણ માટે 'FINALTO' નામની એક નકલી કંપનીની વેબપેજ લિંક મોકલી આપી નોંધણી કરાવી હતી.

રોકાણ માટે વિવિધ બેંક ખાતાઓની વિગતો આપી શરૂઆતમાં 500 ડોલરનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ભોગ બનનારનો વિશ્વાસ જીતવા માટે, વર્ચ્યુઅલ વોલેટમાં 101 ડોલરનો નફો દર્શાવી રૂ. 43,500/- ઉપાડવા પણ દેવામાં આવ્યા હતા. ત્યારબાદ, એક નિશ્ચિત સમયગાળા દરમિયાન, અલગ-અલગ ચાર્જ પેટે કુલ રૂ. 26,66,66,000/- ની માતબર રકમ પડાવી લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી.

ઝડપાયેલા આરોપીઓ આ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટના મહત્વના કડી સમાન હતા. તેઓ છેતરપિંડીથી મેળવેલી રકમને પોતાના નામે ખોલાવેલા અથવા મેળવેલા અલગ-અલગ બેંક એકાઉન્ટોમાં જમા કરાવતા હતા. ત્યારબાદ, ચેક દ્વારા આ રકમ ઉપાડીને આંગડિયા અને હવાલા મારફતે મુખ્ય ગુનેગારો સુધી પહોંચાડતા હતા, જેના બદલામાં તેમને કમિશન મળતું હતું.

આરોપી રાજેશકુમાર ઉર્ફે કપિલ પ્રહલાદભાઈ ચૌધરી (ઉંમર 34, રહે. આનંદપુરા – ઉનાવા, તા. ઊંઝા, જિ. મહેસાણા), જે દ્વારકેશ ટ્રેડિંગના પ્રોપરાઈટર છે, તેમના TMB બેંક એકાઉન્ટમાં ફ્રોડની કુલ રૂ. 1,27,78,153/- જમા થયાના વ્યવહારો મળી આવ્યા છે. જ્યારે અન્ય આરોપી ધર્મેન્દ્ર હર્ષદભાઈ રાવલ (ઉંમર 35, રહે. નાનાઘર, નાના મહાદેવના મંદિરની પાછળ, ઉનાવા, તા. ઊંઝા, જિ. મહેસાણા), જે S S એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર છે, તેમના TMB બેંક એકાઉન્ટમાં ફ્રોડની કુલ રૂ. 63,41,169/- જમા થયેલાના પુરાવા મળ્યા છે.

આરોપીઓના મોબાઈલ ફોનની તપાસ દરમિયાન કુલ 12 અલગ-અલગ બેંક એકાઉન્ટની વિગતો મળી આવી હતી. NCCRP પોર્ટલ પર આ બેંક ખાતાઓની તપાસ કરતા રૂ. 87,84,60,894.5/- ની જંગી રકમની કુલ 128 અરજીઓ અને એફ.આઈ.આર. નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે. આ દર્શાવે છે કે આ એક સુઆયોજિત અને વિશાળ સાયબર ક્રાઈમ નેટવર્કનો ભાગ છે, જ્યાં અનેક ભોગ બનનારાઓ સાથે છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને બે બેંક એકાઉન્ટ ચેકબુક પણ કબજે કરી છે.

શું હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આ તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ આર્થિક લાભ મેળવવા માટે બેંક ખાતાઓ ખોલાવી/મેળવી, તેમાં છેતરપિંડીના રૂપિયા જમા થશે તેવું જાણતા હોવા છતાં, સાયબર ક્રાઈમના ભોગ બનેલા નાગરિકોના નાણાં સગવગે કરવા માટે બેંક ખાતાની વિગતો પૂરી પાડતા હતા. આ બેંક ખાતાઓમાં જમા થતા સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં રૂપાંતરિત કરી, તે નાણાં આંગડિયા/હવાલા મારફતે આંતરરાજ્ય/આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઈમ સિન્ડિકેટના સભ્યોને મોકલી આપી પોતાનું કમિશન મેળવતા હતા. આ રીતે તેઓએ એકબીજાની મદદગારી કરી Investment Fraud ની મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને ગુનો આચર્યો હતો.

સાવચેતી માટે શું કરવું

  • પોતાનું બેંક ખાતું કે સિમકાર્ડ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ બહાને કે લાલચમાં આવીને વાપરવા આપવું જોઈએ નહીં. તેના ગેરકાયદેસરના ઉપયોગ માટે તમે કાયદેસરના જવાબદાર છો.
  • જો આપની આસપાસ આવા ઈસમો કે એજન્ટ બેંક ખાતાઓ કે સિમકાર્ડ ભાડે કે અન્ય બહાને માંગતા હોય, તો નજીકના પોલીસ સ્ટેશન કે સાયબર ક્રાઈમને જાણ કરવા વિનંતી છે.
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ તથા ટેલિગ્રામ પર ટૂંકા ગાળામાં ખૂબ જ વધુ નફો કમાવી આપવાની ઈન્વેસ્ટમેન્ટ કરાવતી કંપનીઓના મળતા-ભળતા નામ વાળી જાહેરાતોમાં વિશ્વાસમાં આવી રોકાણ કરવું નહીં.
  • ઈન્વેસ્ટમેન્ટ કરતા પહેલા કંપની SEBI, RBI અથવા અન્ય રેગ્યુલેટરી બોડી સાથે રજિસ્ટર્ડ છે કે નહીં તે તપાસો તેમજ કંપનીનું એડ્રેસ, વેબસાઈટ અને રિવ્યૂ ચકાસો.
  • જ્યારે પણ તમારી સાથે કોઈપણ પ્રકારનો સાયબર ગુનો બને છે, તો ગોલ્ડન અવર (પ્રથમ એક કલાકમાં) સાયબર હેલ્પલાઈન નંબર 1930 નો સંપર્ક કરવો. જેથી આપના મહત્તમ નાણાં બચાવી શકાય. (ગોલ્ડન અવરમાં જાણ કરવાથી સાપેક્ષમાં 50% વધુ નાણાં હોલ્ડ કરાવી શકાય છે).