Loading...

Gujarat Kerosene Scheme: ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારો માટે કેરોસીન વિતરણની નવી વ્યવસ્થા શરૂ, જાણો પરિવાર દીઠ કેટલા લિટર અપાશે

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ જથ્થામાંથી તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીનની ફાળવણી કરી છે.

By: Rakesh ShuklaEdited By: Rakesh Shukla Publish Date: Sun 05 Apr 2026 06:06 PM (IST)Updated: Sun 05 Apr 2026 06:06 PM (IST)
gandhinagar-news-new-kerosene-scheme-in-gujarat-how-many-liters-per-family-722243

Gandhinagar News: ગુજરાત સરકારે કેન્દ્ર સરકારની સૂચનાને અનુસરીને રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં LPG ઉપરાંત કેરોસીનના સુવ્યવસ્થિત વિતરણ માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. કેરોસીન ડીલર એસોસિયેશન અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સહયોગથી આ યોજના અમલમાં મુકાઈ છે.

પરિવાર દીઠ 5 લિટરના ધોરણે આપવામાં આવશે

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યને કુલ 1452 KL કેરોસીન ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકારે આ જથ્થામાંથી તમામ જિલ્લાઓમાં 36 KL કેરોસીનની ફાળવણી કરી છે. આ કેરોસીનનું વિતરણ ગ્રામીણ વિસ્તારોમાં પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓ દીઠ 25 લિટરના ધોરણે કરવામાં આવશે. ખાસ કરીને, મોટા પરિવારો અને મોટી સંસ્થાઓને પ્રાથમિકતા આપવામાં આવશે. ફાળવવામાં આવેલ કેરોસીનનો ઉપયોગ ફક્ત રાંધવા અને પ્રકાશની વ્યવસ્થા માટે જ કરી શકાશે.

ઓનલાઈન અરજી પ્લેટફોર્મ તૈયાર કરાયું

કેરોસીનની ફાળવણી માટે અરજીઓ સ્વીકારવા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા એક ખાસ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ ગત સોમવારથી કાર્યરત છે અને તેનું URL https://ipds.gujarat.gov.in/ છે. રસ ધરાવતા લાભાર્થીઓ આ પોર્ટલ મારફતે અરજી કરી શકશે.

નિયત પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરવામાં આવશે

રાજ્યમાં કેરોસીનના સંગ્રહ માટે બરોડા અને પાલનપુર ખાતે બે સ્ટોરેજ ડેપો નિયત કરવામાં આવ્યા છે. વિતરણ વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે દરેક તાલુકામાં એક પેટ્રોલપંપ પરથી કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. જિલ્લા સ્તરે ઓછામાં ઓછા 12000 લિટર (એક ટેન્કર લોડ) કેરોસીનની ઓનલાઈન માંગણી મળેથી તાત્કાલિક ધોરણે દરેક તાલુકાના નિયત પેટ્રોલ પંપ પરથી વિતરણ શરૂ કરવામાં આવશે.

ટ્રાન્સપોર્ટ અને અન્ય સંલગ્ન ખર્ચાઓને ધ્યાનમાં લઈને કેરોસીનની ભાવ બાંધણી કરવામાં આવી છે. પ્રતિ લિટર 61.40 રૂપિયાથી 66.14 રૂપિયા વચ્ચે આ ભાવ નિયત કરવામાં આવેલ છે. આ નિર્ણયથી ગ્રામીણ વિસ્તારોમાં કેરોસીનની ઉપલબ્ધતા વધશે અને ભાવમાં પારદર્શિતા જળવાશે તેવી અપેક્ષા છે.